અમદાવાદ, તા.૧પ
કોરોનાના વધતા જતાં કેસોને લીધે ગુજરાત હાઈકોર્ટ તા.૧૬ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટબર સુધી એમ ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ચાર દિવસ દરમિયાન હાઈકોર્ટમાં આવેલી તમામ કચેરીઓ પણ બંધ રહેશે. આ રજા દરમિયાન કોર્ટના સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાશે અને સમગ્ર હાઈકોર્ટ સંકુલની સાફ-સફાઈ કરી સ્વચ્છ કરાશે. ચીફ જસ્ટિસ દ્વારા જાહેર કરાયેલા સર્ક્યુલર મુજબ, ૧૬ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર સુધી હાઈકોર્ટ બંધ રહેશે. આ દિવસોમાં હાઈકોર્ટના અધિકારીઓ, રજિસ્ટ્રી સ્ટાફ સહિતના કર્મચારીઓનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઉચ્ચ ન્યાયાલયના રેકોર્ડ રૂમ, વોશરૂમ, ચેમ્બર, ઓફિસ સહિત સંપૂર્ણ કેમ્પસની સાફ-સફાઈ કરાશે. તમામ પ્રકારનું જ્યુડિશિયલ અને વહીવટી કામ ચાર દિવસ બંધ રહેશે. આ સિવાય એડવોકેટ જનરલ, સરકારી વકીલો વગેરેની ઓફિસ બંધ રાખવા આદેશ કરાયો છે. કોર્ટ પરિસરમાં આવેલી સરકારી ઓફિસ, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, પોસ્ટ ઓફિસ વગેરે બંધ રહેશે. આ ઓફિસો પણ સેનિટાઈઝ કરાશે. ૧૬ ઓક્ટોબરના કેસ લિસ્ટ ૨૦ ઓક્ટોબરથી લેવામાં આવશે. ૧૯, ૨૦ અને ૨૧ ઓક્ટોબરથી ફિક્સ મેટર ૨૧ ઓક્ટોબરે લેવાશે. ફિઝિકલ ફાઈલીંગ ૨૦ ઓક્ટોબરથી શરૂ થશે. જો કે, આ દરમિયાન ઈ-ફાઈલીંગ જારી રહેશે. તેમજ નવા કેસો ૨૦ ઓક્ટોબરથી લેવાશે. આ સાથે આદેશ જાહેર કરાયો છે કે, સર્ક્યુલરમાં એસીએસ હોમ અને રાજ્ય પોલીસ વડાને જાણ કરી કહેવામાં આવ્યું છે કે, હાઈકોર્ટમાં ફરજ પર રહેલા સિક્યુરિટી સ્ટાફ જે જગ્યાએ ડ્યૂટી પર છે તેમણે તે જગ્યાએ જ હાજર રહેવાનું રહેશે અલગ-અલગ જગ્યાએ ફરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.