(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
સોશિયલ મીડિયામાં તા.૪ ફેબ્રુઆરીના રોજ બંધના એલાનને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આ મેસેજને સમર્થન ન આપી જિલ્લા કલેક્ટર તથા પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત એ હિરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારોનું એક માત્ર સરકાર માન્ય યુનિયન છે જે રત્ન કલાકારોને થતા અન્યાય બાબતે આંદોલન ચલાવી રત્નકલાકારોનું શોષણ અટકાવે છે. છેલ્લા થોડાક દિવસોથી સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે. જેમાં લખવામાં આવ્યું છે કે હીરા ઉદ્યોગમાં રત્નકલાકારોનું ખૂબ શોષણ થઈ રહ્યાં છે. તેના વિરોધમાં તા. ૪-૨-૨૦૧૯ના રોજ સુરત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ડાયમંડ વર્કર યુનયનને રત્નકલાકારો આ બંધ અંગે પૂછપરછ કરી રહ્યાં છે. તેથી આજરોજ સુરત પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ વાયરલ થયેલ ખોટા મેસેજની જાણ કરવામાં આવી છે. અમૂક તકવાદીઓ યુનિયનમાં રોડા નાખવાનું કામ કરી રહ્યાં છે. તેઓને ખુલ્લા પાડવા માટે રજૂઆત કરાઈ છે. ૪ ફેબ્રુઆરીના સુરત બંધના એલાનને ડાયમંડ વર્કર યુનિયન સાથે કોઈ લેવા દેવા નથી.