અમદાવાદ, તા. ૧૪
રાજ્યમાં આગામી માસમાં બે તબક્કામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ અગાઉ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક્સ મિડિયા પરથી ચૂંટણીલક્ષી પરિણામોની આગાહી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. રાજ્ય ચૂંટણી પંચ તરફથી અધિક માહિતી નિયામક દ્વારા જારી કરવામાં આવેલા એક પરિપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, વિધાનસભાની સામાન્ય ચૂંટણી ડિસેમ્બર માસમાં યોજાવવા જઇ રહી છે. આ ચૂંટણી સંદર્ભમાં લોક પ્રતિનિધિત્વ ધારા ૧૯૫૧ની કલમ ૧૨૬એ મુજબ મુક્ત ન્યાયી અને પારદર્શક ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી દરમિયાન કોઇપણ પ્રકારની આગાહી કરવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ધારા હેઠળ ૯ ડિસેમ્બરના સવારના ૮ કલાકથી ૧૪ ડિસેમ્બરે સાંજે છ વાગ્યા સુધી કોઇપણ પ્રકારના પરિણામોની આગાહી પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી કરી શકાશે નહીં. બીજી તરફ વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં જારી કરવામાં આવેલા કેટલાક મહત્ત્વના નિર્દેશોમાં મતદારોને માટે ફોટો મતદાર કાર્ડ રજૂ કરવા અંગે નિર્દેશો જારી કરવામાં આવ્યા છે. આ અંગે યાદીમાં જણાવાયા મુજબ જો ફોટો ઓળખકાર્ડ ન હોય તો પંચ દ્વારા માન્ય એવા પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, સરકારી નોકરીઓમાં આપવામાં આવતા ઓળખપત્રો, બેંક અને પોસ્ટઓફિસની ફોટા સાથેની પાસબુક, પાનકાર્ડ, ફોટા સાથે પેન્શન દસ્તાવેજ, પંચ તરફથી આપવામાં આવેલી અધિકૃત, ફોટો વોટરસ્લીપ્સ અને આધાર કાર્ડને પુરા તરીકે માન્ય કરવામાં આવ્યા છે.