અમદાવાદ, તા.ર૬

તાળા-ચાવી રિપેરીંગ કરવાના બહાને તિજોરીમાંથી દાગીના અને રોકડ સહિતની કિંમત સામાનને ચોરી કરતી ચીખલીગર ગેંગના બે સાગરિતોને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમીના આધારે આરોપી રઘુવીરસિંગ ઉર્ફે લડ્ડુસિંગ પરબતસિંગ તિલપીતિયા અને બલવાનસિંગ જોગેન્દ્રસિંગ પટવાને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી તાળા-ચાવી રિપેરીંગ કરવાના જુદા-જુદા સાધનો સહિતનો કુલ રૂા.૧૦,૯૬૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓની પુછપરછમાં બહાર આવ્યું છે કે, દસ-બાર દિવસ અગાઉ અમદાવાદના ગીતામંદિર નજીક એક સોસાયટી તથા છેલ્લા દોઢેક વર્ષ દરમ્યાન વાડજ, ચાંદખેડા, કાલુપુર, ગોધરા, દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના જુદા-જુદા શહેરોનો તિજોરીના લોક રિપેરીંગ કરવાના બહાને કિંમતી દાગીના અને રોકડની ચોરીઓ કરી હોવાનું કબૂલ્યું છે. જેના આધારે નવ જેટલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.

 

ગુનો આચરવાની મોડસ ઓપરેન્ડી

લોક રિપેરીંગના બહાને પરિવારના સભ્યને સામાન લેવા મોકલે અને...

પકડાયેલા આરોપીઓ ચોરી કરવા માટે તાળા-ચાવીઓ રિપેરીંગ કરવાના સાધનો સાથે જુદા-જુદા વિસ્તારોમાં ચાલતા ચાલતા ફરી અને જે લોકો તિજોરીનું લોક રિપેરીંગ કરાવે તેમના ઘરમાં હાજર લોકોને વાતોમાં રાખી ચાવી તથા પાણી, ઓઈલ, રૂ કે કપડું તેવી કોઈને કોઈ ચીજવસ્તુઓની માગણીઓ કરતા હતા અને મકાન માલિક કે ઘરમાં હાજર સદસ્યો તેઓએ મંગાવેલી ચીજવસ્તુઓ લેવા જાય ત્યારે તિજોરીમાંથી દાગીનાઓ અને રોકડા રૂપિયાની ચોરી કરી ચાવી બની શકે તેમ નથી કાલે આવીને બનાવી આપીશું અને હાલ એક-બે દિવસ સુધી તિજોરી કે કબાટના દરવાજાને નહીં  ખોલવાની સૂચના આપી નીકળી જાય છે.