અમદાવાદ, તા.ર૮
રાજ્યનાં તીડ પ્રભાવિત વિસ્તારમાં દિવસ રાત તીડ પાછળ ભાગતા ખેડૂતોના નિરાકરણ માટે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગળ આવ્યા છે. જીટીયુમાં ઈનોવેશન સ્ટાર્ટઅપ સેન્ટરમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા આ ડ્રોન તૈયાર કરવામાં આવ્યા છે. આ ડ્રોન તીડને શોધવામાં તેમને ઉડાડવામાં અને તેમનો સફાયો કરવામાં ઉપયોગી થઈ શકે તે માટે વિદ્યાર્થીઓ સરકારને રજૂઆત પણ કરશે.ઉત્તરગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ સહિતના વિસ્તારોમાં તીડનો આતંક મચ્યો છે. અને થાળી વાડકા કે ઢોલ નગારા સાથે તીડ ઉડાડતા ખેડૂતો માટે જીટીયુના પાસ આઉટ વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા છે ડ્રોન. આ ડ્રોનમાં લાગેલી સાયરનની મદદથી ઉડશે તીડ, એટલુ જ નહિ ડ્રોનમાં લાગેલા થર્મલ કેમેરાની મદદથી ખેતરમાં કયા વિસ્તારમાં તીડનું ઝૂંડ બેઠેલું છે તે જગ્યા પણ લોકેટ કરી શકાશે. તો વળી ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરીને તીડનો સફાયો પણ કરાશે. જીટીયુના ઈન્ક્‌્યુબશન સેન્ટરમાં સ્ટાર્ટઅપ પર કામ કરી રહેલા નીખીલ મેઠિયાએ વાતચીતમાં જણાવ્યું કે ‘ખેતીના કામ માટે ડ્રોન તૈયાર કરાયું છે. જેમાં ખેડૂતો ખેતીમાં દવાના છંટકાવ તેમજ ક્રોપ કટીંગમાં કેવી રીતે ડ્રોનનો ઉપયોગ કરી શકાય તે ની સર્વિસ પ્રોવાઈડ તેમના દ્વારા શરુ કરાયેલી કંપની કરી રહી છે. પરંતુ હાલમાં ખેડૂતો તીડના આતંકથી પરેશાન છે જેથી સામાજિક જવાબદારીના ભાગરૂપે આ ડ્રોનનો સરકાર સાથે રહીને ખેડૂતોને કેવી રીતે મદદરૂપ થઈ શકે તે માટે કામ કરી રહ્યાં છીએ જેમાં તીડને શોધવા અને ઊડાડવા થર્મલ કેમેરા અને સાયરન વાળા ડ્રોન તેમજ તીડનો સફાયો કરવા દવાના છંટકાવ માટેના ડ્રોન તૈયાર કર્યા છે.’ ખેડૂતો તીડના આતંકથી પરેશાન છે ત્યારે સામાજિક જવાબદારીના ભાગરૂપે આ ડ્રોનનો સરકાર સાથે રહીને ખેડૂતોને કેવી રીતે ઉપયોગી થઈ શકે તે માટે વિદ્યાર્થીઓ કામ કરી રહ્યાં છે આમ તો સ્ટાર્ટ અપ પ્રોગ્રામ અંતર્ગત તૈયાર કરાયેલા આ ડ્રોન ખેડૂતોને પાક લણવા માટે, સુકાઈ રહેલા પાક અથવા ખરાબ થઈ રહેલા પાકને જાણકારી માટે સર્વીસ પ્રોવાઈડર તરીકે કામ થવાનું છે પરંતુ રાજ્યમાં તીડનો આતંક કે પૂર પ્રકોપ જેવી આકસ્મીક ઘટનાઓમાં સામાજ સેવાના ઉદેશ્યથી પણ વિદ્યાર્થીઓએ ટીમ તૈયાર કરી છે. ડ્રોન દવા છાંટવાની સાથે સાયરન પણ વગાડી શકે છે, ડ્રોનના થર્મલ કેમેરાં જમીન પરથી તીડને શોધવામાં મદદ કરે છે. ડ્રોનનો સામાજિક કામ માટે કેવી રીતે ઉપયોગ થઈ શકે તે ઉદેશ છે. લોકોની સમસ્યા જેમ કે પુર હોનારત કે આવા તીડનો આતંક છે તેવા કામોમાં આ ફ્લાઈંગ લેબ કામ કરશે. આગામી સમયમાં પણ સમાજને જરુર પડે તે હેતુથી ડ્રોનની ટેકનોલોજીથી સમાજને કેવી રીતે મદદ થઈ શકે તે માટે કામ કરીશું.હાલમાં તીડના ત્રાસમાંથી ખેડૂતોને મુક્ત કરાવવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ટીમો કામે લાગી છે તેવામાં ખેડૂતો માટે જીટીયુના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા આ ડ્રોન રાહત રુપ સાબિત થશે તે નક્કી છે.