(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૨
ડિંડોલી યોગેશ્વરપાર્ક સોસાયટીના કોમન પ્લોટમાં ગઈકાલે રાત્રે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં ઉશ્કેરાયેલા માથાભારે યુવકે તું મને ઓળખતો નથી હું જેલમાં જઈને આવ્યો છું હોવાનુ કહી છાપી, પેટ અને કમરના ભાગે ચપ્પુના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જ્યારે વરાછામાં ભાઈ-બહેન પર ચપ્પુથી હુમલો કરાયો છે.
ડિંડોલી પોલીસના જણાવ્યા મુજબ યોગેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા અનુપકુમાર ચંદુ ચૌધરી (ઉ.વ.૨૫)ની સાથે બંટી ચૌધરી બેઠો છે. તેમ સમજી ગાળો આપી હતી. જેથી ત્યાં બેસેલ અક્ષય ઉર્ફે આદી ગુલાલે કેમ ગાળો આપી તેમ કહેતા અનુપકુમારે માફી માંગીને મામલો પતાવી દેવાની પહેલ કરી હતી. છતાંયે અક્ષયે ફોન કરી સચીન ગુલાને બોલાવ્યો હતો. સચીન ગુલાલે આવી અનુપકુમારને મારા ભાઈને ગાળો કેમ આપી હોવાનુ કહી તું મને ઓળખતો નથી હું જેલમાં જઈ આવેલ છું. હું તને પતાવી દઈશ કહી પેટ, છાતી, પીઠ અને કમર સહિતના ભાગમાં ચપ્પુના ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ટપોરીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજા બનાવમાં એ.કે. રોડ તાસની વાડી ખાતે રહેતા મહેશ છગન દરબાર (ઉ.વ.૪૦)નાં ઘરની બહાર ઉભો રહેતો પાણી પુરીની લારીવાળા સાથે સાજિદ બાબુ (રહે, તાસની વાડી) વચ્ચે કોઈક બાબતે બોલાચાલી થઈ હતી. મહેશ સાથે ગાળાગાળી કરીને ત્યાંથી ચાલી નિકળેલો સાજીદ થોડી વારમાં બ્લેડ લઈને આવી પહોંચ્યો હતો અને મહેશને ઉપરા ઉપરી ઘા ઝીંકી દીધા હતા. અણધાર્યા હુમલાથી હેબતાયેલી બહેન વચ્ચે પડતા સાજિદે તેને પણ હાથના ભાગે બ્લેડના ઘા માર્યા હતા. પોલીસે સાજીદ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.