અમદાવાદ, તા.૨૦
અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ૩૪ વર્ષની મહિલાને ૧૯ વર્ષનાં કિશોર સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ મહિલાનાં છૂટાછેડા થયા છે અને તેને ૧૩ વર્ષનો પુત્ર પણ છે. કિશોર જ્યારે ૧૫ વર્ષનો હતો ત્યારે તેઓ મળ્યા હતા અને એકબીજાનાં પ્રેમમાં હતા. એટલે આ સંબંધ ૪ વર્ષથી ચાલતો હતો. આ યુવાન મહિલાને લગ્ન માટે દબાણ કરતો હતો. યુવાને ધમકી આપતા જણાવ્યું કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને ઉઠાવી જઇશ અને મારી નાંખીશ. આ મામલે મળતી માહિતી પ્રમાણે ૩૪ વર્ષની મહિલાનું ૨૦૦૪માં પ્રેમ લગ્ન થયું હતું. જે બાદ ૨૦૧૬માં છૂટાછેડા થયા હતાં. તેઓ હાલ એક એનજીઓ સાથે સંકળાયેલા છે. વર્ષ ૨૦૧૫માં એક યુવકનાં સંપર્કમાં આવ્યા હતા. ત્યારે તે યુવાન ૧૫ વર્ષનો હતો. બંને અવાર-નવાર મળતા હતાં જેથી તેમની વચ્ચે નીકટતા વધતા પ્રેમ સંબંધ બંધાયો હતો. આ મહિલા પોતાનાં દીકરા સાથે અમદાવાદમાં પિતાને ઘરે આવ્યા હતા. ત્યારે યુવકે ફોન કરીને ધમકી આપી હતી. તેણે જણાવ્યું હતું કે તું તારા પિતાનાં ઘરે કે બીજી જગ્યાએ ગમે ત્યાં જઇશ. હું તારી આસપાસ જ છું અને હું તને ઉપાડી જઇશ. હું તારી સાથે લગ્ન કરીને જ રહીશ. જો તું બીજે ક્યાંય પણ લગ્ન કરીશ તો હું તને ઉપાડીને લઇ જઇશ અને જાનથી મારી નાંખીશ. જે બાદ આ અંગેની ફરિયાદ નોંધાતા યુવકની ધરપકડ કરવામાં આવી. જેને જામીન પણ મળ્યાં છે. આ ઉપરાંત યુવકના મોબાઇલમાં મહિલાના અનેક વીડિયો છે. હાલ આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.