(એજન્સી) તુતિકોરિન, તા. ૨૪
બુધવારે પણ સતત બીજા દિવસે તુતિકોરિનમાં હિંસા ભડકી હતી જ્યારે દેખાવકારો કોપર ફેક્ટરીને પ્રદૂષણને કારણે બંધ કરવા પ્રદર્શન કરી રહ્યા હતા અને પોલીસના ગોળીબારમાં વધુ એક દેખાવકારનું મોત થઇ ગયું હતું. એક દિવસ પહેલા જ પોલીસ કાર્યવાહીમાં ૧૦ દેખાવકારો મોતને ભેટ્યા હતા. વિપક્ષના નિશાને આવ્યા બાદ સરકારે મદ્રાસ હાઇકોર્ટના રિટાયર્ડ જજ અરૂણા જગદીશનની અધ્યક્ષતાવાળા પંચને હિંસાની તપાસ સોંપી હતી અને તુતિકોરિનના કલેક્ટર એન વેંકટેશના સ્થાને બાજુના જિલ્લા તિરુનવેલીના કલેક્ટર સંદીપ નંદુરીની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે નીલગીરી જિલ્લાના પોલીસ વડાનું સ્થાન એસપી પી મહેન્દ્રન લેશે. બીજી તરફ હિંસા વધતા અન્ય રાજકીય પાર્ટીઓએ પણ આમાં ઝંપલાવ્યું છે. હિંસાને પગલે કેટલાક રાજકીય પક્ષો દ્વારા નિવેદનો આવી રહ્યા હતા.
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, જ્યાં સુધી તમિલો આરએસએસની વિચારધારા સામે ઝુકવાનો ઇન્કાર કરશે ત્યાં સુધી તેમની હત્યા થતી રહેશે. તમિલનાડુના લોકોની લાગણીઓ આરએસએસ અને નરેન્દ્ર મોદીની ગોળીઓથી દબાવી શકાશે નહીં. તમિલ ભાઇ બહેનો અમે તમારી સાથે છીએ. કોંગ્રેસના અધ્યક્ષે એક દિવસ પહેલા જ જણાવ્યું હતું કે, તમિલોને ગોળી મારવી એ રાજ્યપ્રેરિત આતંકવાદનું વરવું ઉદાહરણ છે. અન્યાય વિરૂદ્ધ દેખાવ કરવા બદલ આ નાગરિકોની હત્યા કરવામાં આવી રહી છે. દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે તુતિકોરિન ફાયરિંગને જલિયાંવાલા બાગ સાથે સરખાવી હતી જે અંગ્રેજોએ મોટાપાયે નરસંહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર જાણતી હતી કે, આ દેખાવો ૧૦૦થી વધુ દિવસો ચાલી શકે છે. તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધુ વ્યવસ્થા કરવી જોઇતી હતી પણ કાંઇ થયું નહીં. તેઓ ફક્ત લોકો પર ફાયરિંગ કરે છે અને જલિયાંવાલા બાગ જેવા હત્યાકાંડ કરે છે તેમ ગુલામનબી આઝાદે જણાવ્યું હતુંક્ર બીજી તરફ ભાજપે રાહુલ ગાંધીના સામાન્ય જ્ઞાન સામે સવાલ ઉઠાવ્યા હતા. સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે, પોતાની નિષ્ફળતાને છૂપાવવા રાહુલ ગાંધી આવા પ્રયાસો કરી રહ્યા છે. રાહુલ ગાંધી હજુ દૂધ પીવાની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યા છે તે દુઃખદ છે. આવી બાબતોમાંથી રાહુલ ગાંધી રાજકીય લાભ ખાટવા માગે છે. ઉપરાંત ડીએમકેના એમકે સ્ટાલિને પોતાનો બેંગ્લુરૂ પ્રવાસ અટકાવ્યો હતો અને એચડી કુમારસ્વામીના શપથ સમારોહમાં હાજરી આપી નહોતી. તેઓ ઇજાગ્રસ્તો અને મોતને ભેટેલાઓના પરિવારનો મળવા થુથુકુડી પહોંચ્યા હતા. તેઓએ પીડિતોને મળીને મુખ્યમંત્રી ઇ પલાનીસામીના રાજીનામાની માગ કરી હતી.

થુથુકુડીમાં પોલીસે વધુ એકની હત્યા કરી, વીડિયો બતાવે છે પોલીસવાળા
ઘવાયેલી વ્યક્તિને લાઠીથી મારીને કહે છે ‘એક્ટિંગ બંધ કરો, અહીંથી જાવ’

(એજન્સી) થુથુકુડી, તા. ૨૪
વેદાંતા દ્વારા ચલાવવામાં આવતી સ્ટર્લાઇટ કોપર સામે થુથુકુડીના અન્નાનગર વિસ્તારમાં વિરોધ કરી રહેલા લોકો પર પોલીસે ગોળીબાર કરતાં વધુ એક વ્યક્તિનું મૃત્યુ નિપજતાં ગુરૂવારે પણ તમિળનાડુના થુથુકુડીમાં તનાવ યથાવત રહ્યો હતો. વીડિયો ફુટેજમાં બતાવવામાં આવ્યું છે કે ગોળીબારમાં ઘવાયેલા ૨૨ વર્ષીય યુવક કાલિયપ્પનને હોસ્પિટલે લઇ જવામાં આવે તે પહેલા તે જમીન પર પડેલો અને પોલીસવાળાઓ તેના પર લાઠીઓ વીંઝી રહ્યા છે. તેની ચારે બાજુ પોલીસવાળા ઊભા છે. વીડિયોમાં એક પોલીસવાળો કાલિયપ્પનને ઉશ્કેરવાના ઇરાદે લાઠીથી મારીને મોટેથી કહે છે કે‘એક્ટિંગ બંધ કરો, અહીંથી જાવ.’ તુતીકોરિનમાં હજારો દેખાવકારો તાંબાના પ્લાન્ટના નિર્માણનો વિરોધ કરી રહેલાઓમાં કાલિયપ્પન પણ સામેલ હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે દેખાવકારો પર ગોળીબાર કરતા કાલિયપ્પન ઘવાયો હતો પરંતુ થોડીક વારમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. અમાનવીયતાનું આ કોઇ પ્રથમ કૃત્ય નથી, બુધવારના જારી કરાયેલા એક વીડિયોમાં પોલીસવાળાઓને એમ કહેતા બતાવવામાં આવ્યા છે કે દેખાવકારો પર પોલીસે ગોળીબાર શરૂ કર્યો ત્યારે પોલીસવાળો કહે છે કે ઓછામાં ઓછી એક વ્યક્તિ તો મરવી જોઇએ. સ્થાનિક રિપોર્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલા વીડિયોમાં જમીન પર પડેલા કાલિયપ્પનને પોલીસવાળાઓ જોઇને કહી રહ્યા છે કે ‘તે એક્ટિંગ કરી રહ્યો છે.’ કાલિયપ્પનને ઘવાયેલી હાલતમાં તુતીકોરિનની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. પોલીસ ગોળીબારમાં અત્યાર સુધી ૧૩ લોકો માર્યા ગયા છે. હિંસાને પગલે સોશિયલ મીડિયા પર અફવા ફેલાતા અટકાવવા અને શહેરમાં પુનઃ શાંતિ સ્થાપવા માટે તમિળનાડુ સરકારે પાંચ દિવસ માટે શહેરમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તેમ છતાં પોલીસે લોકો પર અત્યાચાર ગુજારવાનું ચાલુ રાખ્યું છે. હિંસક દેખાવો કરવા બદલ પોલીસે ૬૭ લોકોની ધરપકડ કરી છે. તુતીકોરિનના પોલીસ વડા અને જિલ્લા કલેક્ટરની ગઇકાલે બુધવારે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે.
કોઇ તમને મારે ત્યારે તમે જાતે જ બચાવ કરો : તમિળનાડુ સીએમ
પલાનીસ્વામીએ તુતિકોરિનમાં પોલીસ ગોળીબારનો બચાવ કર્યો

(એજન્સી) ચેન્નઇ, તા. ૨૪
તમિળનાડુના મુખ્ય પ્રધાન કે.પલાનીસ્વામીએ તુતિકોરિનમાં સ્ટર્લાઇટ વિરોધી દેખાવકારો સામે પોલીસ ગોળીબારનો ગુરૂવારે બચાવ કર્યો છે અને જણાવ્યું છે કે પોલીસ ગોળીબાર પોતાના બચાવમાં સ્વાભાવિક એક રિએક્શન હતું. પલાનીસ્વામીએ એવું ટિ્‌વટ કર્યું કે કોઇ તમને મારે ત્યારે સ્વાભાવિક રીતે તમે તમારો બચાવ કરવાના છો, તેથી આવી પરિસ્થિતિઓમાં કોઇ પણ પૂર્વાયોજિત રીતે કશું કરી શકે નહી. તેમણે વિરોધ પક્ષો પર હિંસા ભડકાવવાનો આરોપ પણ મૂક્યો. કેટલાક રાજકીય પક્ષો અને નેતાઓ સ્ટાર્લાઇટ સામે દેખાવકારોને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને આંદોલન કરવા માટે નિર્દોષ લોકોને ભડકાવવાનું ચાલુ રાખ્યું છે. મુખ્યપ્રધાને એવું પણ જણાવ્યું કે સ્ટર્લાઇટના મુદ્દા અંગે રાજ્ય સરકાર લોકોના અભિપ્રાયોનો આદર કરે છે. વિરોધ પક્ષો આંદોલન કરવા માટે નિર્દોષ લોકોને ભડકાવી રહ્યા છે. થુથુકુડીના વહીવટકર્તાઓએ સરકારના વલણ વિશે આંદોલનકારો સાથે ૧૪ વાર મુલાકાત કરી છે. તમિળનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્ટર્લાઇટનું લાઇસન્સ રીન્યુ કર્યું નથી.

તુતિકોરિનમાં તંગદિલી યથાવત્‌, ઇન્ટરનેટ સેવા ઠપ્પ, DMK દ્વારા આજે બંધનું એલાન

(એજન્સી) તુતિકોરિન, તા. ૨૪
તમિલનાડુમાં તુતિકોરિન વિવાદ થંભવાનું નામ લેતો નથી. પોલીસ ફાયરિંગમાં અત્યારસુધી ૧૩ લોકોનાં મોત થઇ ચૂક્યા છે. દરમિયાન તંત્રે તુતિકોરિનમાં ઇન્ટરનેટ સેવા પાંચ દિવસ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. સંવેદનશીલ વિસ્તારોમાં ભારે માત્રામાં પોલીસ કુમક ખડકી દેવાઇ છે. પોલીસ ફાયરિંગના વિરોધમાં ઉતરેલા ડીએમકેએ પોલીસ ગોળીબારમાં નાગરિકોનાં મોત અંગે એઆઇએડીએમકે સરકાર વિરૂદ્ધ ૨૫મી મેએ એટલે કે શુક્રવારે તમિલનાડુમાં રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે. મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેંચે સ્ટર્લાઇટ પ્લાન્ટના વિસ્તરણ પર પણ રોક લગાવવાનો આદેશ આપ્યો છે. ગૃહમંત્રાલયે પણ તુતિકોરિનમાં થયેલી હિંસા અંગે રિપોર્ટ માગ્યો છે. પોલીસ કર્મીઓએ વાન પર ચડી એસોલ્ટ રાઇફલ દ્વારા આંદોલનકારીઓ પર નિશાન સાધતા તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ ભારે વિરોધ થયો છે.

સ્ટર્લાઇટ વિરોધી દેખાવો : તમિલનાડુ સચિવાલય બહાર ડીએમકેના દેખાવો બાદ સ્ટાલીનની અટકાયત
(એજન્સી) તુતિકોરિન, તા. ૨૪
ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમકે સ્ટાલિનની ચેન્નાઇના સચિવાલય પરિસરમાંથી અટકાયત કરવામાં આવી હતી. તેમણે સચિવાલય મુખ્યમંત્રી ઓફિસ બહાર ધરણા કરતા થુથુકુડી મુદ્દે ચર્ચા કરવા માગ કરી હતી. આ પહેલા તમિલનાડુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે સ્ટર્લાઇટ કોપર સ્મેલટર પ્લાન્ટને તાત્કાલિક અસરથી બંધ કરવાના આદેશ આપ્યા હતા જ્યારે વિપક્ષે સચિવાલય બહાર ધરણા કર્યા હતા. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે ટિ્‌વટ કરી કહ્યું હતું કે, તમિલનાડુમાં તુતિકોરિન આંદોલન દરમિયાન અનમોલ જીવ ગુમાવ્યાનું દુઃખ છે. ગૃહમંત્રાલયે આ ઘટનાની નોંધ લીધી છે. રાજ્ય સરકાર પાસેથી આ ઘટના અંગે સંપૂર્ણ રિપોર્ટ માગવામાં આવ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી ઇ પલાનીસામીએ વિપક્ષના સ્ટાલિન દ્વારા તેમને નહીં મળવાના આરોપોને નકાર્યા હતા. તેમણે કહ્યું કે, આંદોલન કરી રહેલા લોકોને વિપક્ષે ઉશ્કેર્યા છે અને આ લોકો અસામાજિક તત્વો છે જે તેઓનો સમય બરબાર કરી રહ્યા છે.

દિલ્હી હાઇકોર્ટમાં થુથુકુડી હત્યાની તપાસની માગણી કરતી અરજી રજૂ

(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
તમિળનાડુના તુતીકોરિનમાં થુથુકુડી ખાતે સ્ટર્લાઇટ વિરોધી રેલી દરમિયાન દેખાવકારો પર પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો મૃત્યુઆંક વધીને ૧૩ થઇ ગયો છે. પોલીસ ગોળીબારમાં દેખાવકારોની હત્યા અંગે દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી રજૂ કરવામાં આવી છે. આ અરજીમાં રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (એનએચઆરસી)ના સીધા હસ્તક્ષેપ અથવા દેખાવકારોની ગેરકાયદે હત્યાની સ્વતંત્ર તપાસ કરવાની માગણી કરવામાં આવી છે. નેશનલ યુનિયન બેકવર્ડ ક્લાસ, એસસી-એસટી અને માઇનોરિટીસના રાષ્ટ્રીય નાયબ પ્રમુખ અને એડવોકેટ એ.રાજારાજન દ્વારા આ અરજી હાઇકોર્ટમાં દાખલ કરાઇ છે. શુક્રવારે હાઇકોર્ટમાં આ અરજી પર સુનાવણી કરવામાં આવે તેવી સંભાવના છે. રાજારાજને જણાવ્યું કે માનવાધિકાર પંચે થુથુકુડીની પાયાની વાસ્તવિકતાઓની અવગણના કરીને તાકીદે સુનાવણી કરવાની તેમની રજૂઆત અંગે વિચારણા કરવાનો ઇન્કાર કરી દીધો છે. તેમણે એવું પણ જણાવ્યું કે એનએચઆરસીએ તમિળનાડુના મુખ્ય સચિવ અને રાજ્ય સરકારના ડીજીપી પાસે માત્ર રિપોર્ટ માગ્યો છે. નાગરિક અને પોલીસ વહીવટીતંત્ર તેમના નેતૃત્વ હેઠળ છે અને તેમના નેતૃત્વ હેઠળ માનવ અધિકારોનો ભંગ થયો છે. તેમણે કહ્યું કે જો એનએચઆરસી સીધા હસ્તક્ષેપ નહીં કરે તો પોલીસ દ્વારા ગેરકાયદે હત્યાઓ ચાલુ રહેશે. તેમણે એવી પણ રજૂઆત કરી કે રાજ્ય પોલીસ દ્વારા ગેરકાનૂની હત્યાઓ સાથે સંબંધિત પુરાવાઓનો નાશ કરવાની શક્યતા હોવાથી પંચે તાકીદે આ મુદ્દાની તપાસ કરવી જોઇએ.
વિવાદાસ્પદ તુતિકોરિન પ્લાન્ટ ખાતે સ્ટર્લાઇટ વિરોધી દેખાવોમાં ૩૨,૫૦૦ નોકરીઓ ગુમાવવી પડી શકે છે

(એજન્સી) તુતિકોરિન, તા. ૨૪
તમિલનાડુમાં તુતિકોરિન દેખાવોનો સામનો કરી રહેલી સ્ટર્લાઇટ કોપરે કાંઠાળા શહેરમાં પોતાના પ્લાન્ટમાંથી ૩૨,૫૦૦ કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય દેખાવો દરમિયાન ૧૩ લોકોનાં મોત અને સંખ્યાબંધ લોકો ઇજાગ્રસ્ત થયા તેના સંદર્ભે લેવાયો છે. સ્ટર્લાઇટ કોપરમાં કુલ નોંધાયેલા કર્મચારીઓ ૩૫૦૦ છે જ્યારે બિન નોંધાયેલા કર્મચારીઓ ૩૦,૦૦૦-૪૦,૦૦૦ છે. ૩૫૦૦માંથી ૨૫૦૦ જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે છે જ્યારે સ્ટર્લાઇટ કોપરના સીઈઓએ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી દીધી છે. હાલ પુરતું કંપનીએ પોતાના ૧૦૦૦ કર્મચારીઓને ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. તુતિકોરિનમાંથી પોતાની આજીવિકા રળતા બાકીના કર્મીઓએ પોતાની નોકરી ગુમાવવી પડી શકે છે. આ કર્મીઓ તુતિકોરિનમાં લોજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટ અને કોપર વાયર યુનિટમાં કામ કરતા હતા. આ લોકોની નોકરીઓ જ્યાં સુધી પ્લાન્ટ બંધ રહેશે ત્યાં સુધી નોકરી પર આવી નહીં શકે. તુતિકોરિન પ્લાન્ટ વિરોધી દેખાવો આશરે ૧૦૦ દિવસો સુધી ચાલશે. સ્થાનિકો પ્લાન્ટમાં વિસ્તરણનો વિરોધ કરી રહ્યા છે અને તેઓ દલીલ કરી રહ્યા છે કે, આના કારણે પર્યાવરણને ઘેરી અસર થઇ રહી છે. જોકે, કંપનીએ આ આરોપો નકારી કાઢ્યા છે.