તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયિપ એર્દોગન ઈસ્તંબુલની ઐતિહાસિક હાગિયા સોફિયા મસ્જિદના ઉદ્‌ઘાટન પ્રસંગે પઢવામાં આવેલી જુમ્માની નમાઝમાં સામેલ થયા હતા. એક ન્યુઝ એજન્સીના અહેવાલ મુજબ અઝાન પહેલા એર્દોગને હાગિયા સોફિયામાં કુર્આન શરીફની તિલાવત કરી હતી. ત્યારબાદ તુર્કીની ધાર્મિક બાબતોના વડા અલી એરબાસે ખુત્બો પઢ્યો હતો. આ ખુત્બાનું તુર્કીની ન્યુઝ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જર્મનીથી આવેલા સલાહતીન અયદાસે કહ્યું હતું કે આ એ ક્ષણ છે જેમાં તુર્કીએ તેના પર લાગુ કરવામાં આવેલા નિયંત્રણોને ફગાવી દીધા છે. હવે તે જે ઈચ્છે તે કરી શકે છે. હવે તેને પશ્ચિમના દેશો મુજબ ચાલવાની જરૂર નથી. હાગિયા સોફિયા ખાતે નમાઝ પઢ્યા પછી એર્દોગન ફતિહ મસ્જિદ ગયા હતા જેને ઈસ્તંબુલ પર વિજય મેળવાનાર સુલ્તાન મોહમ્મદનું નામ આપવામાં આવ્યું છે. સુલ્તાન મોહમ્મદના મકબરા પરથી સંબોધન કરતા એર્દોગને કહ્યું હતું કે હાગિયા સોફિયા ઈમાનવાળાઓ માટે મસ્જિદ રહેશે અને સમગ્ર માનવજાત માટે તે એક સાંસ્કૃતિક વારસો છે. આ પહેલા ગુરૂવારે એર્દોગને હાગિયા સોફિયાની બહાર મૂકવામાં આવેલી એક તકતીનું અનાવરણ કર્યું હતું જેના પર લખવામાં આવ્યું હતું ‘‘હાગિયા સોફિયા ગ્રાન્ડ મસ્જિદ.’’