(એજન્સી) તા.૭
તુર્કીના પ્રમુખ રેસેફ તૈયબ અર્દોગને સમગ્ર પ્રદેશને અસ્થિર બનાવવા માટે આરબ દેશો પર આરોપ મૂકવાથી ભડકેલા સઉદી અરેબિયાએ પોતાના નાગરિકોને તુર્કીના દરેક સામાનનો બહિષ્કાર કરવા હાકલ કરી છે.
સામાન્યતઃ તુર્કીની જાહેર ટીકા કરવાનું ટાળતાં ઇઝરાયેલે પણ શાંતિના પ્રયાસો અવરોધવા બદલ ઇસ્તમ્બુલની ઝાટકણી કાઢી છે અને નાટો દેશોના સભ્યોને તુર્કીના પ્રમુખ પર લગામ કસવા જણાવ્યું છે. સઉદી અરેબિયાની ચેમ્બર ઓફ કોમર્સના વડા અજલાન અલ અજલાને એક ટ્વીટમાં જણાવ્યું છે કે તુર્કીમાં બનેલી દરેક ચીજવસ્તુઓનો બહિષ્કાર કરો. પછી તે આયાતના સ્તરે હોય, નિકાસના સ્તરે હોય કે પર્યટન સ્તરે હોય પરંતુ તુર્કીનો બહિષ્કાર કરવાની પ્રત્યેક સઉદી નાગરિકની ફરજ છે.
આપણા દેશ, આપણા નેતૃત્વ અને આપણા નાગરિકો વિરુદ્ધ દુશ્મની કરી રહેલા તુર્કીને જવાબ આપવો પડશે. અર્દોગને તાજેતરમાં અખાતી દેશો પર તુર્કીને ટાર્ગેટ કરવા અને પ્રદેશને અસ્થિર કરવાનો આરોપ મૂક્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં પોતાના સંબોધનમાં અર્દોગને જણાવ્યું હતું કે એ ભુલવું જોઇએ નહીં કે જે દેશ સવાલોના દાયરમાં છે તેનું ગઇ કાલે કોઇ અસ્તિત્વ હતું જ નહીં અને કદાચ આગામી સમયમાં પણ નહી હોય પરંંતુ અમે અલ્લાહની મંજૂરી સાથે આ વિસ્તારમાં હંમેશા અમારો ધ્વજ લહેરાતો રાખીશું. દરમિયાન ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાને શાંતિના પ્રયાસો વિરુદ્ધ કામ કરવા બદલ તુર્કીની જાટકણી કાઢી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર સંરક્ષણ પ્રધાન બેની ગાંત્ઝેએ અખાતી આરબ મીડિયા સાથેની વાતચીતમાં તુર્કી અને ઇરાનને શાંતિના પ્રસારને નકારનાર અને પ્રાદેશિક આક્રમણને સમર્થન આપનાર દેશ તરીકે ગણાવ્યા હતા.
Recent Comments