(એજન્સી) તા.૧૦
તુર્કીએ ર૦૧૭ની ન્યુ યર પાર્ટી પર હુમલામાં સામેલ આતંકવાદી જૂથ દાઈશના એક શંકાસ્પદ આતંકવાદીને ૪૦ વખત આજીવન કેદની સજા સંભળાવી છે. ર૭ વર્ષીય ઉજબેક નાગરિકને એક પોલીસ અધિકારી સહિત ૩૯ લોકોની હત્યા કરવા અને આતંકવાદી કાર્યવાહીને અંજામ આપવાના આરોપમાં તુર્કીની એક અદાલતે પેરોલ વિના ૪૦ વખત આજીવન કેદની સજા સંભળાવી છે. અદાલતે મશારીઓવને ગેરકાયદેસર હથિયાર રાખવા અને આ હુમલામાં ઘાયલ ૭૯ લોકોને જીવ લેવાનો પ્રયાસ કરવા માટે પણ દોષી ગણાવ્યો અને કુલ ૧૩૬૮ વર્ષની કેદની સજા સંભળાવી. અદાલતે આ હુમલાની યોજના તૈયાર કરનારા બીજા એક આતંકવાદી ઈલ્યાસ મમાસરિઓવને ૧૪૩ર વર્ષની કેદની સંભળાવી છે. ર૦૧૭ની ન્યુ યર પાર્ટી દરમ્યાન, ઈસ્તંબુલ સ્થિત રીના નાઈટ કલબ પર દાઈશના આતંકવાદી મશારીઓવે ઓટોમેટિક રાઈફલથી ફાયરિંગ કરી હતી જ્યાં અનેક દેશી વિદેશ લોકો હાજર હતા. તે ઉપરાંત અદાલતે દાએશના અન્ય ૪૮ આતંકવાદીઓને પણ વિવિધ આરોપોમાં સજાઓ સંભળાવી છે જ્યારે ૧૧ને આરોપ મુક્ત કરી દીધા છે. આ આતંકી હુમલામાં ૧ર તુર્કં નાગરિક અને ર૭ વિદેશી મૃત્યુ પામ્યા હતા. દાએશે જવાબદારી સ્વીકારી હતી અને દાવો કર્યો હતો કે સીરિયામાં તુર્ક સેનાના હસ્તક્ષેપના બદલામાં આ હુમલો કરવામાં આવ્યો છે. હુમલાના ૧૭ દિવસ પછી તુર્કી પોલીસે મશારીઓવની ધરપકડ કરી હતી. શરૂઆતમાં તેણે આરોપ સ્વીકાર્યો હતો ત્યારબાદ તે પુરાવાઓને ખોટા હોવાનો દાવો કર્યો હતો.