(એજન્સી) તા.૭
ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી અને વૈકલ્પિક વડાપ્રધાન બેની ગેન્ટઝે આક્ષેપ કર્યો હતો કે તુર્કી અને ઈરાન મધ્ય-પૂર્વમાં અસ્થિરતા ઉભી કરી રહ્યા છે અને ક્ષેત્રમાં શાંતિ સ્થાપવાના પ્રયત્નો વિરૂદ્ધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. રવિવારે અરબ દેશોના પત્રકારોને એક ઝૂમ સ્ટેશન મારફતે સંબોધતા ગેન્ટઝે તુર્કી અને ઈરાન પર શાંતિ-પ્રક્રિયાને ફગાવવાનો અને પ્રાદેશિક આક્રમકતાને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કર્યો હતો. આ કોન્ફરન્સ દરમ્યાન ગેન્ટઝે કહ્યું હતું કે ઈઝરાયેલે યુએઈ અને બેહરીન સાથે કરેલી સમજૂતીઓના કારણે ક્ષેત્રીય દુશ્મન ઈરાન સાથેના સંઘર્ષમાં લાભ મળશે. નોંધનીય છે કે ઈરાન ઈઝરાયેલ માટે ખૂબ જ ભયજનક પુરવાર થઈ શકે તેમ છે. ગેન્ટઝે કહ્યું હતું કે, અમારી સમજૂતીઓના પરિણામે નવી વ્યૂહરચનાઓ અને વિકલ્પો ઉભા થયા છે. તેમજ ઈરાન પણ આ વાત સારી રીતે સમજે છે. ગેન્ટઝે આ પણ કહ્યું હતું કે તુર્કી નાટોનો સભ્ય હોવાથી તેની સામે પડવું મુશ્કેલીભર્યું છે.