(એજન્સી) તા.૧૭
લાલસિંઘ ચઢ્ઢા નામની ફિલ્મના શુટિંગ માટે તુર્કી ગયેલા બોલિવુડ સુપરસ્ટાર આમિરખાને તુર્કીના ફર્સ્ટ લેડી એમિન એર્દોગન સાથે મુલાકાત કરી હતી. તુર્કીના રાષ્ટ્રપતિની સત્તાવાર વેબસાઈટ મુજબ ફર્સ્ટ લેડીએ શનિવારે ભારતના ૭૪મા સ્વતંત્રતા દિવસે ઇસ્તંબુલમાં આવેલા રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન હુબેર મેન્શનમાં આમિરખાનને આવકાર્યા હતા. ફર્સ્ટ લેડીએ તેમના સત્તાવાર ટવીટર હેન્ડલ પરથી આ મુલાકાત અંગે ટવીટ કરતા કહ્યું હતું કે વિશ્વપ્રસિદ્ધ ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા અને નિર્દેશક આમિરખાન સાથે ઈસ્તંબુલમાં મુલાકાત કરી મને ખુબ આનંદ થયો. હું આ જાણીને ખુશ છું કે આમિરખાને તેમની આગામી ફિલ્મ લાલસિંઘ ચઢ્ઢાનું શુટિંગ તુર્કીના જુદા જુદા ભાગોમાં કરવાનું નક્કી કર્યું છે. જો કે જમણેરી કાર્યકરોએ અનેકવાર ભારત વિરૂદ્ધ નિવેદન આપનાર રાષ્ટ્રની ફર્સ્ટ લેડી સાથે મુલાકાત બદલ આમિરખાનની ટીકા કરી હતી. પરંતુ તુર્કી ખાતેના ભારતીય રાજદૂત સંજય પાંડાએ ટવીટ કરી આ મુલાકાતને એક વિશેષ ક્ષણ ગણાવી હતી. પાંડાઓ લખ્યું હતું કે આ એક વિશેષ ક્ષણ છે ફર્સ્ટ લેડી એમિન એર્દોગને ભારતના સાંસ્કૃતિક એલચી અને અર્થપૂર્ણ સિનેમાના હિમાયતી આમિર ખાનને આવકાર્યા હતા. જે તેમની આગામી ફિલ્મ લાલસિંઘ ચઢ્ઢાની શુટિંગ માટે તુર્કી આવ્યા છે. પપ વર્ષીય આમિરખાને આ મુલાકાત દરમ્યાન તુર્કીના ફર્સ્ટ લેડીને તેમના સામાજિક કાર્યોની જાણકારી આપી હતી. તુર્કીના રાષ્ટ્રપતિની સત્તાવાર વેબસાઈટ મુજબ ફર્સ્ટ લેડીએ ફિલ્મોમાં સામાજિક સમસ્યાઓ પ્રત્યે ધ્યાન દોરવા બદલ આમિરખાનની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે લાલસિંઘ ચઢ્ઢા રીલીઝને ર૦ર૧ની નાતાલ સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ ફિલ્મમાં આમિરખાન ઉપરાંત કરીના કપૂર, મોનાસિંઘ અને તમિળ સ્ટાર વિજય સેતુપથીએ પણ ભૂમિકા ભજવી છે.