(સંવાદદાતા દ્વારા)
ઊના, તા.૯
ઊના-ગીરજંગલ મધ્ય જંગલ વિસ્તારમાં છેલ્લા ૩ દિવસથી અતીભારે વરસાદ પડી રહ્યો જેના કારણે જંગલને અડી આવેલા બોર્ડર વિસ્તારના ગામોની વચ્ચેથી વાસના જંગલમાં પડતા વરસાદને કારણે નદીઓ અને નાળાઓ તેમજ ખેતર વિસ્તાર પાણીથી છલોછલ છલકાય રહ્યા છે અને નદી બે કાંઠે વહેવા લાગતા આ વિસ્તારમાં જમીનના મીઠા પાણીના ભુગર્ભ જળમાં વધારો થતાં ખેતી વાડી વિસ્તારમાં પાણીના તળો ઉપર આવ્યા છે જેથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ૫ ઇંચ જેટલો વરસાદ તુલસીશ્યામ ગીરજંગલમાં બપોરના સમયે પડેલ હોવાથી ધોકડવાની રાવલ નદી તેમજ ભાચાની શાહી નદી બે કાંઠે પાણી વહેતા હોવાનું જોવા મળેલ હતું. ગીર વિસ્તારમાં વરસાદ પડતા આજુબાજુના બોર્ડર પર આવતા તુલસીશ્યામ, જામવાળા, થોરડી, ભાખા, ધોકડવા સહીતના ગામોમાં ૨ ઇંચ જેટલો વરસાદ પડેલ હોવાના અહેવાલ મળી રહ્યા છે. તેમજ શહેરી વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાં પડ્યાં હતા. હજુ પણ આકાશમાં વાદળો ધેરાયા હોય મોડી રાત્રી દરમ્યાન ભારે વરસાદ વરસે તેવું વાતાવરણ છવાયુ છે.