(એજન્સી) તા.૧૭
બુધવારે તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રાએ લદ્દાખમાં ચીની સૈનિકો સાથે થયેલી અથડામણ મુદ્દે વડાપ્રધાન મોદીના મૌન સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે આશ્ચર્ય વ્યકત કર્યું હતું કે, શું આ મુદ્દે કેન્દ્ર પાસેથી જવાબ માગવો રાષ્ટ્રવિરોધી છે. ઉલ્લેખનીય છે કે સોમવારે રાત્રે લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે થયેલી અથડામણમાં ર૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા. મોઈત્રાએ આ અંગે ટવીટ કર્યું હતું કે, ર૦૧૯માં સર્જિકલ સ્ટ્રાઈકની બડાશ હાંકી ભાજપે ચૂંટણી તો જીતી લીધી જેનો કોઈ વાસ્તવિક પુરાવો ન હતો અને હવે આપણા ર૦ શહીદ સૈનિકો આપણી તરફ જોઈ રહ્યા છે. પરંતુ વડાપ્રધાન મૌન છે. તેમણે એક અન્ય ટવીટમાં કહ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયામાં આ બધુ થયું છે. (૧) એલએસી પર ર૦ ભારતીય સૈનિકો શહીદ થયા (ર) સૌથી સારા પાડોશીએ વાતચીત કર્યા વગર એકપક્ષીય રીતે રાજકીય નકસામાં ફેરફાર કર્યો (૩) ચીન, પાકિસ્તાન અને નેપાલની સરહદો પર ભારતીયોના મોત થયો શું આ અંગે પૂછવું રાષ્ટ્રવિરોધી છે.