(એજન્સી) તા.ર૭
માઇક પર લોકોને સંબોધતી વખતે આમના ફહીમ લોકોને અપીલ કરે છે કે મારી તમને બધાને વિનંતી છે કે આ દેખાવોમાં ઉત્સાહપૂર્વક મોટાપાયે જોડાઓ અને આપણી તાકાત બતાવો. આ સમય હવે ઘરે બેસી રહેવાનો કે ટીવી જોવાનો રહ્યો નથી. તેઓ આપણને વિભાજિત કરવા માગે છે. તેઓ આપણને ડરાવી રહ્યાં છે. પરંતુ તેઓ સફળ નહીં થાય. અમે શાંતિપૂર્ણ રીતે આગળ વધતાં જ રહીશું.
ઉલ્લેખનીય છે કે ફહીમ શાહીનબાગમાં રસ્તો રોકીને છેલ્લે બે મહિનાથી દેખાવો કરતી મહિલાઓને સંબોધન કર્યું હતું. અહીં મોદી સરકારની દેશને ધાર્મિક રીતે વિભાજિત કરવાની યોજના એટલે કે નાગરિકતા સુધારા કાયદા તથા નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન તેમજ હવે આગામી એનપીઆરની પ્રક્રિયા સામે પણ મોટાપાયે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેને જોતાં જ સમગ્ર દેશમાં આ મામલે ઠેર ઠેર શાહીનબાગની જેમ દેખાવો થઇ રહ્યાં છે. બુધવારે જ શાહીનબાગમાં ચિંતા અને દૃઢ સંકલ્પ જેવું મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. અહીં અનેક લોકો ચિંતાતુર દેખાયા હતા તો અનેક લોકોમાં ભારે હિમ્મત પણ જોવા મળી હતી. રવિવારે પણ ઉત્તર પૂર્વ દિલ્હીમાં મોટાપાયે હિંસા ફાટી નીકળી હતી અને આ દરમિયાન અનેક મકાનોને દુકાનોને આગચંપી પણ કરવામાં આવી હતી. જોકે આ વિસ્તાર શાહીનબાગથી માંડ ર૦ કીમી દૂર હશે. જોકે મોટાભાગના હુમલા તો મુસ્લિમ પાડોશીઓને જોઇને જ કરવામાં આવ્યા હતા. બુધવારની વાત કરવામાં આવે તો સાંજે ૮ વાગ્યાના સુમારે આશરે ર૭ લોકો મૃત્યુ પામી ચૂક્યા હતા. શાહીનબાગમાં આ દરમિયાન એ વાતની ચિંતા જોવા મળી હતી કે અહીં કોઇપણ પ્રકારની હિંસા ન ભડકવી જોઇએ નહિંતર તેનાથી એક માઠી અસર સમગ્ર મુસ્લિમ સમુદાયમાં જોવા મળી શકે છે.