(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
તાજેતરમાં ટીવી ડિબેટમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી વિરૂદ્ધ પ્રહાર કરવા બદલ રિપબ્લિક ટીવીના સ્થાપક અર્નબ ગોસ્વામી પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આકરા પ્રહાર કર્યા છે. ગેહલોતે ભાજપના રાજ્યસભા સાંસદ રાજીવ ચંદ્રશેખરને અપીલ કરી છે કે, તાત્કાલિક અસરથી અર્નબ ગોસ્વામીને કાઢી મુકવો જોઇએ. ગેહલોતે ટિ્‌વટમાં લખ્યું છે કે, સોનિયા ગાંધી પર અર્નબ ગોસ્વામીનો હુમલો અત્યંત વખોડવાલાયક છે. તેઓ પાગલ થઇ ગયા છે અને તમામ હદો પાર કરી ગયા છે તેમને આ માટે પોતાના પર શરમ આવવી જોઇએ. મારે એડિટર્સ ગિલ્ટને પણ પૂછવુંં પડશે કે શું આ પત્રકારત્વ માટે સૌથી નીચલી કક્ષા નથી ? રાજીવ ચંદ્રશેખરે તેને તાત્કાલિક અસરથી કાઢી મુકવો જોઇએ. બીજી તરફ ચંદ્રશેખરે જવાબ આપ્યો છે કે, જ્યારથી તેઓ રિપબ્લિક ટીવીના માલિક છે ત્યારે કોઇ તેમને કાઢી શકે નહીં.
સોશિયલ મીડિયા પર તાજેતરમાં વાયરલ થયેલી ટીવી ડિબેટનો વીડિયો બાદ અશોક ગેહલોકનું નિવેદન આવ્યું હતું. વાયરલ વીડિયોમાં ગોસ્વામી ઇટાલીના મૂળનો મુદ્દો ઉઠાવી સોનિયા ગાંધીની ટીકા કરી રહ્યા હતા. તેમણે મહારાષ્ટ્રમાં બે હિંદુ સાધુ સહિત ત્રણ લોકોના ટોળા દ્વારા લિંચિંગમાં સોનિયા ગાંધી પર આરોપ લગાવ્યો હતો. તેમનો સોનિયા ગાંધી પર અંગત પ્રહાર કોંગ્રેસના એક નેતા સામે જ કરાયો હતો જે આ ડિબેટમાં ભાગ લઇ રહ્યા હતા.ગોસ્વામીના હુમલાનો વીડિયો સપાટી પર આવતા જ કોંગ્રેસના સમર્થકોએ રિપબ્લિક ટીવીના સ્થાપક અર્નબ ગોસ્વામીની ધરપકડની માગણી ટિ્‌વટર પર શરૂ કરી હતી. બીજી તરફ ગોસ્વામીના સમર્થકોએ પણ તેને સમર્થન આપ્યું હતું. ગોસ્વામીએ ૨૦૧૭માં ભાજપના રાજ્યસભા સભ્ય રાજીવ ચંદ્રશેખરની મદદથી રિપબ્લિક ટીવીની શરૂઆત કરી હતી. તાજેતરમાં કોંગ્રેસના નેતા શ્રીનિવાસ બીવીએ ગોસ્વામીને એક લીગલ નોટિસ મોકલીને ધમકી આપી હતી કે, ટીવી ચેનલ પર જો તેઓ ફેકન્યૂઝ ફેલાવવા માટે જાહેરમાં માફી નહીં માગે તો તેઓ તેમની સામે બદનક્ષીનો દાવો કરશે.