(એજન્સી) તા.૧૨
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભલે મહાગઠબંધન બહુમતીની નજીક આવીને અટકી ગયું પણ તેજસ્વી યાદવે હજુ સુધી મુખ્યમંત્રી બનવાની આશા છોડી નથી. રાજદ નેતા તેના માટે એક-બે નાના પક્ષોના સંપર્કમાં છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે રાજદએ વિકાસશીલ ઈન્સાન પાર્ટીના મુકેશ સાહની અને હિન્દુસ્તાન આવા મોર્ચાના જીતન રામ માંઝીનો સંપર્ક સાધ્યો છે. સૂત્રોએ સ્વીકાર્યું કે રાજદને અત્યાર સુધી કોઈ સકારાત્મક પ્રતિક્રિયા મળી નથી પણ પાર્ટીએ કહ્યું કે અમારા રસ્તા ખુલ્લા રહેશે. રાજદના સૂત્રોએ કહ્યું કે મુકેશ સાહની ડેપ્યુટી સીએમ બનવા માગે છે અને પાર્ટી તેમને આ પદ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે મહાગઠબંધનને આ ચૂંટણીમાં ૧૧૦ બેઠક મળી છે. આ જૂથની સરકાર બનાવવા માટે વધુ ૧૨ ધારાસભ્યોની જરૂર છે.
પાર્ટીના સૂત્રો કહે છે કે આ બંને પક્ષો સાથે આવ્યા બાદ જો ઓવૈસીની એઆઈએમઆઈએમને પોતાની સાથે લઈ લે તો તેમની પાસે બહુમતને લાયક જરૂરી સંખ્યાબળ પૂર્ણ થઈ જશે. ઉલ્લેખનીય છે કે મુકેશ સાહની અને જીતનરામ માંઝી ચૂંટણી પૂર્વે મહાગઠબંધનનો સાથ છોડી એનડીએમાં જોડાઈ ગયા હતા. વીઆઈપી પ્રમુખ મુકેશ સાહની ખુદ આ વખતે સિમરી બખ્તિયારપુર સીટ પર ચૂંટણી હારી ગયા હતા. જ્યારે જીતનરામ માંઝીની પાર્ટીને ૪ બેઠક પર જીત મળી છે. રાજદએ એક સૂત્રએ કહ્યું કે પ્રયાસ કરવામાં શું તકલીફ છે ? જો વીઆઈ અને હમ અમારી સાથે આવી જાય તો અમે એ સુનિશ્ચિત કરી શકીએ કે તેમને તેનો સારો એવો ફાયદો મળી શકે છે જે એનડીએ તેમને આપી શકે છે. જોકે બીજી બાજુ એઆઈએમઆઈએમ અમને ટેકો આપવા તૈયાર છે. જોકે વીઆઈપીના એક સૂત્રએ કહ્યું કે અમને રાજદ તરફથી ઓફર તો મળી છે પણ અમે પાર્ટી બદલવા તૈયાર નથી.
Recent Comments