(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના નેતા તેમજ બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વીપ્રસાદ યાદવ સત્તાપક્ષના નેતાઓ અને મુખ્યમંત્રી નીતિશકુમારને ઘેરવાની કોઈપણ તક જતી કરવા માગતા નથી. આ દરમિયાન હવે યાદવે સીએમ નીતિશકુમાર પર જાસૂસી કરવાનો આરોપ મૂક્યો છે. આટલું જ નહીં, તેજસ્વીએ તેના માટે નક્કર પુરાવાઓ પણ આપ્યા છે. હકીકતમાં તેજસ્વીએ સીએમ આવાસ પર લાગેલા સીસીટીવી કેમેરાની તસવીર તેમજ વીડિયો શેર કરતા દાવો કર્યો છે કે આ કેમેરા તેમના ઘરની ગતિવિધિઓ પર નજર રાખવા માટે લગાવવામાં આવ્યા છે. તેજસ્વીએ આરોપ મૂકતા કહ્યું છે કે નીતિશકુમારે જાણીજોઈને પોતાના આવાસમાં એ જગ્યા પર જ કેમેરા લગાવ્યા છે કે જ્યાંથી તેઓ તેમના આવાસ પર નજર રાખી શકે. તેજસ્વી યાદવે ટ્‌વીટ કરતાં લખ્યું કે, નીતિશકુમાર તમારી પોલીસ અને તમને પોતાની સુરક્ષાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ અમારા બેડરૂમ, આવાસની અંદર મુખ્ય ભવનના દ્વાર, રસોડામાં, આવાસીય કાર્યાલય અને આવાસીય ગોપનિયતામાં ૩૬૦ ડિગ્રીના એચ.ડી. કેમેરા લગાવીને નજર રાખવાનો કોઈ અધિકાર નથી. તમે અમારા ઘરની બહાર મેઈન ગેટ પર કેમેરા લગાવો અમને કોઈ વાંધો નથી. તેજસ્વી યાદવે પોતાની આ ટ્‌વીટની સાથે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં પાછળથી એક શખ્સ જણાવી રહ્યો છે કે, કેવી રીતે આ કેમેરા તેજસ્વી યાદવના ઘરની જાસૂસી કરી રહ્યો છે.