નવી દિલ્હી,તા.૧૬
ક્રિકેટના દિગજ્જ સચિન તેંડુલકરે વર્લ્ડ કપ ઓલ-સ્ટાર ઈલેવન તરીકે પોતાની વર્લ્ડ કપની ટીમ બનાવી છે. તેંડુલકરની વર્લ્ડ કપ ટીમમાં પાંચ ભારતીયોને સ્થાન મળ્યું છે. નવાઈની વાત એ છે કે સચિનની વર્લ્ડ કપ ટીમમાં ભારતીય વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીને સ્થાન અપાયું નથી. વિકેટકીપર બેટ્‌સમેન તરીકે સચિને ધોનીને પડતો મૂકીને ઈંગ્લેન્ડના જોની બેરસ્ટોને પસંદ કર્યો છે.
સચિન તેંડુલકરની વર્લ્ડ કપ ટીમમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, વાઈસ કેપ્ટન તેમજ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન ફટકારનાર રોહિત શર્મા, ફાસ્ટર જસપ્રિત બુમરાહ, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્માએ વર્લ્ડ કપમાં પાંચ સદી સાથે ૬૪૮ રન કર્યા હતા. તાજેતરમાં ઈંગ્લેન્ડ-વેલ્સમાં રમાયેલા વર્લ્ડ કપમાં ફક્ત બે મેચમાં રમનાર રવિન્દ્ર જાડેજા સચિનની વર્લ્ડ કપ ઈલેવનમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. સેમિ-ફાઈનલમાં જાડેજાએ બેટિંગ, બોલિંગ તેમજ ફિલ્ડિંગ એમ દરેક ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવ્યું હતું.
ક્રિકેટના લીજન્ડ સચિન તેંડુલકરે પોતાની વર્લ્ડ કપ ટીમમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનને પણ લીધો છે. આ ઉપરાંત બાંગ્લાદેશના ઓલ રાઉન્ડર શકિબ-અલ-હસનને પણ ટીમમાં સ્થાન મળ્યું હતું. શકિબે વર્લ્ડ કપમાં ૬૦૦થી વધુ રન ફટકાર્યા હતા તેમજ ૧૧ વિકેટ પણ ઝડપી હતી. વર્લ્ડ કપની ફાઈનલનો સ્ટાર રહેલા બેન સ્ટોક્સને પણ ઓલ રાઉન્ડર તરીકે સચિને ટીમમાં લીધો હતો.
સચિન તેંડુલકરની વર્લ્ડ કપ ઈલેવન :
રોહિત શર્મા, જોની બેરસ્ટો (વિકેટ કીપર), કેન વિલિયમ્સન (કેપ્ટન), વિરાટ કોહલી, શાકિબ-અલ-હસન, બેન સ્ટોક્સ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મિશેલ સ્ટાર્ક, જસપ્રિત બૂમરાહ, જોફ્રા આર્ચર