(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
ભાજપે ગુરૂવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પર આકરા પ્રહાર કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે, તેના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાના કાફલા પર તેમણે હુમલાનું ષડ્યંત્ર રચ્યું હતું. ટ્‌વીટર પર શેર કરાયેલા એક નાટકીય વીડિયોમાં પાર્ટીએ દાવો કર્યો છે કે, બંગાળમાં નડ્ડાના કાફલા પર મમતા બેનરજીના સમર્થકોએ હુમલો કર્યો છે. ભાજપના સાંસદ સુકાંતા મજુમદારે ટિ્‌વટમાં લખ્યું કે, જે.પી.નડ્ડા અને કૈલાશજીની કાર પર ઈંટ ફેંકાઈ અને પથ્થરમારો થયો, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જવાબદારીથી છટકી શકે નહીં. તેમની નજર હેઠળ રચાયેલું આ આતંકી કૃત્યના તેમણે પરિણામ ભોગવવા પડશે. બંગાળમાં આ લોકશાહી માટે કાળો દિવસ છે. દરમિયાન જે.પી.નડ્ડાએ પત્રકારોને જણાવ્યું હતું કે, મને મા દુર્ગાના આશિર્વાદની મદદ મળી હોવાથી બચી ગયો, મારી કાર બૂલેટપ્રૂફ હતી. ભાજપના આઇટી સેલના પ્રમુખ અને બંગાળ બાબતોના સહઈન્ચાર્જ અમિત માલવિયે ટિ્‌વટમાં લખ્યું કે, બંગાળમાં ડાયમંડ હાર્બર પર જઈ રહેલા ભાજપના પ્રમુખ જે.પી.નડ્ડાના કાફલાને રોકી તેના પર હુમલો કરાયો. પીશી હેઠળની બંગાળ પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવામાં સંપૂર્ણ નિષ્ફળ નિવડી છે. આ હતાશ સરમુખત્યારના સંકેત છે જે જાણે છે કે, તેઓ ચૂંટણીના મંચ પર નાશ પામશે. નડ્ડાના કાફલા પર કથિત હુમલો ત્યારે થયો જ્યારે તેઓ બંગાળમાં દક્ષિણ પરગણા જઈ રહ્યા હતા. નડ્ડાએ પત્રકારોને જણાવ્યું કે, તેઓ એ માટે બચી ગયા કારણ કે તેમની કાર બૂલેટપ્રૂફ હતી.