(એજન્સી) તા.ર૭
શિરોમણી અકાલી દળના સાંસદ નરેશ ગુજરાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલને પત્ર લખીને ફરીયાદ કરી હતી કે રવિવારે ઉત્તરપૂર્વ દિલ્હીમાં થયેલી હિંસા મામલે જે પણ ફરિયાદો નોંધાઇ તેના પર કાર્યવાહી કરવામાં પોલીસ સદંતર નિષ્ફળ રહી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં હિંસામાં અત્યાર સુધીમાં ૩પથી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા અને આશરે ર૦૦થી વધુ લોકો ઘવાયા છે. દિલ્હી પોલીસ સીધું કેન્દ્રીય ગૃહમંત્રાલય હસ્તક આવે છે અને તેનું નેતૃત્વ દિલ્હી પોલીસ જ કરે છે.
ગુજરાલ ભાજપના સહયોગી પક્ષ શિરોમણી અકાલી દળના જ સાંસદ છે અને તેમણે આ દરમિયાન કહ્યું હતું કે બુધવારે રાત્રિ દરમિયાન આશરે ૧૬ જેટલા મુસ્લિમ ભાઇઓ દિલ્હીમાં મૌજપુર ખાતે ફસાઇ ગયા હતા. લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા. આ દરમિયાન મેંં પોલીસને ફરિયાદ કરી હતી અને તેમને મદદ પહોંચાડવા માટે અપીલ કરી હતી જોકે તેમ છતાં દિલ્હી પોલીસે મારી ફરીયાદ પર ધ્યાન જ નહોતું આપ્યું.
ગુજરાલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મેં પોલીસને સ્પષ્ટ રીતે સૂચના આપી જાણ કરી હતી કે હું એક સાંસદ છું છતાં પોલીસે નિષ્ફળતા દાખવતાં મારી સૂચનાની અવગણના કરી હતી. ગુજરાલે તેમના પત્રમાં લખ્યું છે કે મેં સ્થિતિની અજર્ન્સી જોતાં પોલીસ ઓપરેટરને જાણ કરી હતી કે હું સંસદનો સભ્ય છું. ૧૧ :૪૩ વાગ્યે મને દિલ્હી પોલીસ તરફથી કન્ફર્મેશન મળ્યું કે મારી ફરિયાદ નોંધી લેવાઇ છે. તદઉપરાંત આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ફરિયાદ પર કોઇ કાર્યવાહી કરવામાં ન આવી. તેમણે કહ્યું કે મેં પોલીસને અપીલ કરી હોવા છતાં મારી ફરિયાદ પર ધ્યાન ન અપાયું.