(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૩
કોરોનાના કારણે સુરત સહિત સમગ્ર દેશમાં થયેલા લોકડાઉનમાં તેલંગાણાનો ૧૨ વ્યક્તિનો પરિવાર લગ્નની ખરીદી કરવા માટે સુરત આવી ફસાય ગયો છે. જો કે, વરાછાના ઉમિયા માતાનું મંદિર આ પરિવાર માટે આર્શિવાદરૂપ બની ગયું હોવાનું જાણવા મળે છે. તેલંગાણામાં રહેતો સિંગ પરિવાર આવતા મહિને ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી સુરતમાં સાડી અને કપડાંની ખરીદી માટે સુરત આવ્યો હતો. ૧૮મી માર્ચે આ પરિવાર સુરત આવ્યો ત્યારે કોરોનાની સ્થિતિ બગડેલી ન હતી. સાડીના વેપારી સુમિતસિંગ કહે છે, હું પહેલી વાર સુરત આવ્યો છું મારા કાકા રમેશસિંગ કાકી તથા પરિવારના બે બાળકી સાથે ૧૨ સભ્યો મામાના લગ્ન હોવાથી સુરત ખરીદી માટે આવ્યા હતા. અમારી ખરીદી પુરી થાય કે અમે ૨૩મીએ પરત જવાના હતા. પણ તે પહેલા જ લોકડાઉન જાહેર થયું હતું. સુમિતસિંગે વધુમાં જણાવ્યું હતું કે, મારા કાકા આ પહેલાં પણ સુરત ખરીદી માટે આવ્યા ત્યારે ઉમિયા મંદિરમાં રોકાયા હોવાથી આ વખતે પણ અમે ઉમિયા માતાના મંદિરની ધર્મશાળામાં રોકાયા છીએ. હાલ ધર્મશાળા અમારા માટે આશિર્વાદરૂપ બની છે. પહેલા થોડો ડર હતો પણ અગ્રણીની હુંફ જોઈ તે નીકળી ગયો છે. અમારા ઘર કરતા પણ સારી સુવિધા અહીં મળી રહી છે. આટલા દિવસોમાં રૂપિયા પુરા થઈ ગયા છે એટલે ઉમિયાધામ અતિથિ ગૃહ દ્વારા લીધેલા ભાડાના પૈસા પરત કરાતા, તેમને ફરી ટીકીટ બુક કરાવી હોવાનું જાણવા મળે છે. દરમિયાન સુરતના મેયરે પણ અમારી જરૂરિયાત પુછી ત્યારે લાગ્યું કે આવું તો સુરતમાં જ જોેવા મળી શકે.