(એજન્સી) તા.૧૨
હૈદરાબાદની કૃષ્ણા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝ હોસ્પિટલે કોવિડ-૧૯ના દર્દીમાં ડબલ ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કર્યાનો દાવો કર્યો છે.હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યાનુસાર દર્દીને સ્વસ્થ થયા બાદ રજા પણ આપી દેવામાં આવી છે. તમને જણાવી દઈએકે આ હોસ્પિટલમાં ડૉક્ટરોએ ૩૨ વર્ષના એક કોવિડ-૧૯ના દર્દી પર દેશમાં પ્રથમ વખત ડબલ ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ એ પણ સફળ રીતે પૂરું કરવાનો દાવો કર્યો છે. રોગી સારકોઈડોસિસથી પીડિત હતો. જેમાં ફેફસાં ખરાબ થઈ રહ્યા હતા. કૃષ્ણા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિઝના પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું કે ડૉ. સંદીપ અટ્ટાવરના નેતૃત્વમાં ડૉક્ટરોની એક ટીમે ચંદીગઢના રોગીની જટિલ સર્જરી કરી હતી. સ્વસ્થ થયા બાદ રોગીને શુક્રવારે રજા પણ આપી દેવામાં આવી હતી. કૃષ્ણા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝના અધિકારીઓ અનુસાર રોગીને સારકોઈડોસિસ નામનો રોગ હતો. જેના લીધે કોરોનાનો ચેપ લાગ્યા બાદ તેના ફેફસાં સડવા લાગ્યા હતા. તેની હાલત ઝડપથી બગડી રહી હતી અને બંને ફેફસાંને બદલવાનો જ વિકલ્પ રહી ગયો હતો. એવામાં કોલકાતામાં એક ડોનર બ્રેન ડેડ થયા બાદ તેના ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કૃષ્ણા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિઝમાં દાખલ હૈદરાબાદના દર્દીમાં કરાયું હતું. ઉલ્લેખનીય છે કે ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ દેશની પસંદગીની હોસ્પિટલોમાં જ થાય છે. ખાનગી હોસ્પિટલોમાં તેના પ્રત્યારોપણની કિંમત આશરે ૫૦ લાખ રૂપિયા જેટલી છે. જોકે ટ્રાન્સપ્લાન્ટ બાદ પણ દર્દીએ આખા જીવન દરમિયાન દવાઓ ખાવી પડે છે.