(એજન્સી) હૈદરાબાદ, તા.૭
તેલંગાણામાં ૧૨ ધારાસભ્યોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. સોમવારથી રાજ્ય વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થનાર હતું જેના પગલે આ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એક અહેવાલ મુજબ, ધારાસભ્યો, વિધાનસભાના કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને પત્રકારો સહિત ૬૫૦ લોકોથી વધુના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૧૨ વ્યક્તિ કોરોનાગ્રસ્ત જણાઈ હતી. જે લોકોના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે તેમને વિધાનસભામાં જવાની અને સત્રમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. જે તે વ્યક્તિના મોબાઈલ ફોેન પર કોરોનાનો રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. વિધાનસભા સત્ર દરમ્યાન મુલાકાતીઓ અને ધારાસભ્યોના કર્મચારીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંત્રીઓ સાથે માત્ર એક-બે જણને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. અધિકારીઓએ થર્મલ સ્ક્રીનર અને સેનેટાઈઝર લગાવવા સાથે સાવચેતીના તમામ પગલા ભર્યા છે. તમામ માટે માસ્ક ફરજિયાત પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તમામ ધારાસભ્યો, એમએલસીને ઓક્સીમિટર, માસ્ક, સેનેટાઈઝર અને અન્ય આવશ્યક મેડિકલ કિટ પૂરી પાડવામાં આવી હતી. પત્રકારોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પત્રકારોને વિધાનસભા લોબીમાં જવાની પરવાનગી નહીં અપાય. સાથે મીડિયા પોઈન્ટ પણ બંધ કરવામાં આવ્યા છે.