(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
સુપ્રીમ કોર્ટ કાનપુર પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલ વિકાસ દુબે અને એમના સાથીઓની થયેલ હત્યાઓ અને એ પહેલા વિકાસ દુબે દ્વારા ૮ પોલીસોની કાનપુરમાં કરાયેલ હત્યા સંદર્ભે તપાસ કરવા નિવૃત્ત જજની આગેવાની હેઠળ એક પેનલની રચના કરી શકે છે.
વિકાસ દુબેની એન્કાઉન્ટરમાં થયેલ હત્યા સંદર્ભે જાહેરહિતની અરજીઓની સુનાવણી કરતી વખતે કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પ્રશ્ન કર્યું હતું કે ક્યા પ્રકારની કમિટી દ્વારા તપાસ કરાવવા સરકાર ઈચ્છે છે અને ગુરૂવાર સુધી જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. કોર્ટ આગામી ૨૦મી જુલાઈએ સુનાવણી કરશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે,” અમે તેલંગાનાની જેમ કંઇક કરીશું. અમને જણાવો કે ક્યા પ્રકારની કમિટી તમે ઈચ્છો છો ? મુખ્ય ન્યાયાધીશે તેલંગાના પોલીસ એન્કાઉન્ટરનું સંદર્ભ આપ્યું હતું જેમાં પોલીસે બળાત્કારના ચાર આરોપીઓને એન્કાઉન્ટર કરી ઠાર કર્યો હતો. એ પછી તરત જ સુપ્રીમ કોર્ટે એન્કાઉન્ટરની તપાસ માટે સુપ્રીમ કોર્ટેના નિવૃત્ત જજ વિ.એસ. સીરપુકરની આગેવાની હેઠળ કમિટીની રચના કરી હતી. જો કે હજુ કમિટીએ રિપોર્ટ રજૂ કરી નથી.
દરમિયાનમાં સોલીસીટર જનરલ તુષાર મહેતાએ યુપી સરકાર તરફે રજૂઆત કરતા જણાવ્યું હતું કે અમને જવાબ રજુ કરવા માટે સમય આપવામાં આવે. એમણે કહ્યું કે મીડિયામાં આ અંગે ખૂબ ચર્ચાઓ થઇ હોવાથી અમને ઊંડું અભ્યાસ કરી રજૂઆત કરવી પડશે.
ઉત્તર પ્રદેશ સરકારે પહેલેથી જ તપાસ માટે એક સભ્યની સ્વતંત્ર કમિશનની નિમણૂક કરી છે. એમણે નિવૃત્ત જજની નિમણુંક કરી છે જેઓ બે મહિનાઓમાં રિપોર્ટ રજૂ કરશે.
સુપ્રીમ કોર્ટમાં તપાસની માંગણી કરતી ત્રણ અરજીઓ દાખલ થઇ હતી. એક અરજી મુંબઈના વકીલ ઘનશ્યામ ઉપાધ્યાયે દાખલ કરી હતી. જો કે એમણે એન્કાઉન્ટર થયાના થોડા કલાકો પહેલા જ અરજી દાખલ કરી એન્કાઉન્ટરનું ભય દર્શાવ્યું હતું.
બીજી અરજી સુપ્રીમ કોર્ટના વકીલ અનુપ પ્રકાશ અવસ્થીએ દાખલ કરી હતી. એમણે તપાસ માટે સી.બી.આઈ. અથવા એન.આઈ.એ.ની નિમણુંક કરવા માંગણી કરી હતી. એમણે આ સમગ્ર ઘટનાઓમાં પોલીસ, રાજકારણીઓ અને ગેંગસ્ટરો વચ્ચે ઘનિષ્ઠ સંબંધોની તપાસની પણ માંગણી કરી હતી.