મુંબઈ,તા.૧૫
તેલંગાણાના પાટનગર હૈદરાબાદમાં બુધવારે ભારે વરસાદના કારણે ઊભી થયેલી પૂર જેવી પરિસ્થિતિના વીડિયો અને તસવીરો સામે આવી હતી. બુધવારે તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વરસાદના કારણે બનેલી અલગ-અલગ ઘટનાઓમાં ૩૧ લોકોનાં મોત થયા છે. તેલંગાણાની સાથે જ હવે મહારાષ્ટ્રના અનેક હિસ્સાઓમાં વરસાદે કહેર ફેલાવાનું શરૂ કરી દીધું છે. મુંબઈ અને પુણેમાં બુધવારની આખી રાત વરસાદ પડ્યો. ગુરુવારે મુંબઈ સહિત અન્ય શહેરો માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઇમાં બુધવાર રાત્રે પડેલા ભારે વરસાદને કારણે સાયન પોલીસ સ્ટેશન અને કિંગ્સ સર્કલની પાસે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા. તેની સાથે જ મુંબઈના ભાયખલા, હિન્દમાતા, કુર્લા સહિતના અનેક વિસ્તારોમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. હવામાન વિભાગે આજે મુંબઈમાં ભારે વરસાદનું અલર્ટ જાહેર કર્યું છે. બુધવારથી મહારાષ્ટ્રના મુંબઈ અને થાણે સહિત બીજા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ગુરૂવારે ઉત્તર કોંકણની સાથે મુંબઈ અને થાણે માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે કોંકણ અને ગોવાના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. કર્ણાટકના દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે સિસ્ટમ સેન્ટરની આસપાસ અને મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને તેની નજીકના ઉત્તર કર્ણાટકમાં આગામી ૧૨ કલાક દરમિયાન પવન ૩૦-૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી ફુંકાવાની શક્યતા છે અને બાદમાં તેની ઝડપ ૫૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. આઈએમડી અનુસાર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફુંકાઈ શકે છે. ૧૬ ઓક્ટોબરની સાંજે તે વધીને ૬૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. વરસાદે મુંબઈમાં મુસીબત વધારી દીધી છે. કોલાબામાં અત્યાર સુધીમાં ૮૫ મિલીમીટર, સાંતાક્રૂઝમાં ૬૬ મિમી, વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન ખાતાએ આગામી ૪૮ કલાકમાં એલર્ટ જાહેર કરેલી છે. મુંબઈ, થાણે, પાલઘરમાં યલો એલર્ટ જ્યારે સિંધુદુર્ગ, રત્નાગિરીમાં રેડ એલર્ટ જાહેર કરાયલી છે. લગભગ ૧૨ કલાકના ભારે વરસાદ બાદ પુણેના ઈન્દાપુર, નિમગાંવ, કેતકી અને બિધવનમાં હાલાત બેકાબૂ થઈ રહ્યા છે. ઈન્દાપુરમાં માત્ર ૧૨ કલાકમાં ૧૭૮ મિમી વરસાદ રેકોર્ડ થયો છે.