(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા. ૬
જૂનાગઢ જિલ્લામાં અપમૃત્યુના વિવિધ બનાવો નોંધાયા છે. વિસાવદરના પીરવડ ગામે તોફાન કરતી દીકરીને બિવડાવવા માટે શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દેનાર મહિલાનું કરૂણ મોત નિપજ્યાનો બનાવ નોંધાયો છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વિસાવદરના પીરવડ ગામે રહેતા વર્ષાબેન મુકેશભાઈ છગનભાઈ વૈષ્ણવ (ઉં.વ.૩ર) ગત તા. ૧૬-૩-૧૮ના બપોરના સમયે ગંભીર રીતે દાઝેલી હાલતમાં પ્રથમ વિસાવદર સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા. જ્યાં તેની હાલત વધુ નાજુક જણાતા રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા તેનું ગઈકાલે સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આકસ્મિક મૃત્યુથી આ ઘટનાની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, ગત તા. ૧૬-૩ના રોજ વર્ષાબેન પોતાની દીકરીને બિવડાવવા માટે શરીરે કેરોસીન છાંટી સળગી જવાનો દેખાવ કરતી વખતે કેરોસીનથી લથબથ કપડામાં દિવાસળી અડી જતાં આખું શરીર સળગી ઉઠયું હતું અને આ અકસ્માત મૃત્યુ સુધીનો બનાવ બની ગયો હતો જે અંગે વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ભેંસાણનાં ખાખરા-હડતમિયા ગામે મકાનના રિપેરીંગ દરમ્યાન દીવાલ ધસી પડતા મહારાષ્ટ્રીયન મજૂર ધનાનાથ દેવમુરારી (ઉ.વ.પ૦)નું દીવાલ નીચે દબાઈ મોત નિપજ્યું હતું.