ભૂજ, તા.૧ર
તા.૧૦/ર/ર૦ર૦ના ભૂજ શહેરના પીઠાવાળી શેરી પાસેથી મળી આવેલ ૭થી ૧૦ દિવસના ત્યજી દેવાયેલ બાળકને સંતાન વિહોણા ૭૦થી વધુ પરિવારોએ દત્તક લેવા ઈચ્છા દર્શાવી હતી. કોઈક અજાણી માતાએ બાળકને મજબૂરીમાં આવીને ત્યજ્યું છે. અખબારી યાદી પ્રસિદ્ધ થયા બાદ નિઃસંતાન કચ્છ અને મુંબઈના અનેક પરિવારોએ માનવજ્યોત તથા કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં મોબાઈલ નંબરો મેળવી આ બાળક દત્તક લેવા માટેની કાર્યવાહીની સમજ મેળવી હતી.
માનવજ્યોતના પ્રબોધ મુનવરનાં જણાવ્યા મુજબ બાળક બચી જવા પામેલ છે. પોલીસ કાર્યવાહી બાદ આ બાળક કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ભૂજને સોંપવામાં આવેલ છે. કાયદાકીય જોગવાઈ અને નિયમ અનુસાર ત્યજાયેલા બાળકની દત્તક આપવાની કાર્યવાહી ૯૦ દિવસ પછી થાય છે. બાળકને કોઈકે ત્યજ્યુ છે ત્યારે નિઃસતાન અનેક પરિવારો તેને દત્તક લેવા આગળ આવ્યા છે.