(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૯
આણંદ જિલ્લાનાં આંકલાવના વરહદ તળાવ પાસે મજુરો માટી ખોદી રહ્યા હતા ત્યારે માટીની ભેખડ ધસી પડતા બે મહિલા મજુરો ભેખડની નીચે દબાઈ જતા તેઓના મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ મજુરોનો આબાદ બચાવ થયો હતો.
મળતી વિગતો અનુસાર આંકલાવના વરહદ તળાવ પાસે આજે સવારે ૯ વાગ્યાના સુમારે મજુરો માટી ખોદી ટ્રેકટરમાં ભરી રહ્યા હતા માટી ખોદતી વખતે અચાનક માટીની ભેખડ ધસી પડતા માટી ખોદી રહેલા વીસ્ટીબેન ભાવલાભાઈ ડામોર ઉ.વ. ૫૫ રહે. અભલોડ જી. દાહોદ અને જાંબુડીબેન મીનેશભાઈ ભગોરા ઉ.વ. ૩૦ રહે. સીમલીયા લીમડી માટીની ભેખડ નીચે દબાઈ ગયા હતા. જ્યારે અન્ય ત્રણ મજુરો ઝડપથી ખસી જતા તેઓનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ બચી ગયેલા મજુરોએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેમજ મજુરો અને ટ્રેકટરના ડ્રાઈવરે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી ભેખડ નીચેથી દબાયેલી બંને મહિલાઓને બહાર કાઢી પરંતુ બંને મહિલાઓને ગંભીર ઈજાઓ થતા બંને મહિલાઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાને લઈને આંકલાવ પોલીસે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને મૃતક મહિલાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા અને આ બનાવ અંગે આંકલાવ પોલીસ મથકે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.