હવે લડાઇ આરપારની બની ગઇ છે, અમે કોઇપણ રીતે પાછળ હટીશું નહીં, દેશભરના ખેડૂતોને અહીં આવવા અમારૂં ખુલ્લું આમંત્રણ છે : સંયુક્ત કિસાન મોરચાની પત્રકાર પરિષદમાં એલાન
(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
દિલ્હી અને આસપાસની સરહદો પર કૃષિ વિરોધી આંદોલન ચલાવવા માટે માર્ગો પર ઉતરેલા ખેડૂત સંગઠનોએ મંગળવારે દેશવ્યાપી બંધનું એલાન કર્યું છે અને સરકાર સાથે સર્જાયેલી મડાગાંઠ વચ્ચે કહ્યું છે કે, તેઓ રાષ્ટ્રીય પાટનગરના તમામ માર્ગો અવરોધશે. ખેડૂત સંગઠનોએ એમ પણ કહ્યું છે કે, ૮મી ડિસેમ્બરની હડતાળના ભાગરૂપે તેઓ હાઇવે પર આવેલા તમામ ટોલ ગેટ્સ પર કબજો જમાવશે અને સરકારને ટોલના નાણા લેવા દેશે નહીં. એક પત્રકાર પરિષદમાં દેખાવકારોના સંગઠનના એક નેતા હરિન્દરસિંહ લાખોવાલે કહ્યું હતું કે, અમારા આંદોલનમાં વધુને વધુ લોકો જોડાશે. ખેડૂત નેતા અક્ષય કંવરે કહ્યું કે, આજની અમારી બેઠકમાં ત્રણ મહત્વના નિર્ણય કરાયા છે જેમાં આવતીકાલે સરકાર સાથે વાત થશે ત્યારે સ્પષ્ટ કહી દેવાશે કે ત્રણેય કાયદા રદ કરવા સિવાય કોઇ વાતચીત નહીં થાય. શનિવારે દેશભરના ખેડૂત સંગઠનો નરેન્દ્ર મોદીના પૂતળા ફૂંકશે. ઉપરાંત આઠમી ડિસેમ્બરે ભારતભરના ટોલ પ્લાઝા પર કબજો કરીને તેને ફ્રી કરવામાં આવશે. ખેડૂતોના સંગઠનોએ જણાવ્યું હતું કે, તેમણે સરકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર ત્રણેય કાયદાઓને રદ કરે જે મોટા કોર્પોરેટ્સની દયા પર ખેડૂતોને છોડી દેશે અને છેતરામણી થવા વિરૂદ્ધ તેમની કોઇ સુનાવણી નહીં થાય તેવા છે. વિરોધ પ્રદર્શનને ઉગ્ર બનાવવાનું આહવાન કરતાં ખેડૂતોએ દિલ્હીમાં સરકાર દ્વારા બતાવાયેલા સ્થળો પર દેખાવ કરવાની મંજૂરી મળતા પહેલાં ગયા અઠવાડિયે હરિયાણાની સરહદ પર સરકાર અને પોલીસ દ્વારા બર્બરતા ભોગવ્યા બાદ તેમણે કહ્યું હતું કે, શનિવારે તેઓ સરકારના પૂતળાં બાળશે. પંજાબની જમહૂરી કિસાન સભાના પ્રમુખ સતનામસિંહ અંજાલાએ કહ્યું હતું કે, અમે જોયું કે, સરકાર એમએસપી અંગે અમારી માગો પર રાજી થઇ રહી છે, વિજળી અને દંડની જોગવાઇઓ પણ સળગતા મુદ્દા છે પરંતુ અમે કાયદાઓ રદ નહીં થાય ત્યાં સુધી દેખાવો કરીશું અને રોકાવાના નથી. આ પહેલા ગુરૂવારે સરકાર અને ખેડૂતો વચ્ચેની ચોથા રાઉન્ડની મંત્રણા પણ પડી ભાંગી હતી અને કોઇ નિષ્કર્ષ આવ્યા વિના પૂરી થઇ હતી. પંરતુ કેન્દ્રીય મંત્રીએકહ્યું હતું કે, અમે મંત્રણા ચાલુ રાખીશું. ખેડૂતોને ભય સતાવી રહ્યો છે કે, પોતાની ઉપજને મોટા કોર્પોરેટ ખરીદશે અને તેમને તેમની ઉપજનું યોગ્ય વળતર નહીં મળે તથા તેમના ઉપર જ મદાર રાખવો પડશે જ્યારે એપીએમસી એક્ટ સમાપ્ત કરી દેવાથી તેઓ તેમની મરજીથી તેમની ઉપજ વેચી શકશે નહીં. આ કારણે જ દિલ્હીની સરહદો પર હજારોની સંખ્યામાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને અન્ય રાજ્યોના ૪૦થી વધારે ખેડૂત સંગઠનોની આગેવાનીમાં ખેડૂતો ઉગ્ર દેખાવો ચલાવી રહ્યા છે. ગુરૂવારે ચાલેલી સાત કલાકની બેઠક પણ અનિર્ણિત રહી હતી જ્યારે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું હતું કે, અમે ખેડૂતોની ચિંતાને દૂર કરી છે અને આગામી પાંચમી ડિસેમ્બરે વધુ વાતચીત થશે. એઆઇકેએસસીસી ખેડૂત સંગઠનના નેતા કવિથા કુરૂગંટીએ જણાવ્યું હતું કે, સરકાર કૃષિ કાયદાઓમાં સુધારા કરવા માગે છે જ્યારે અમે આ કાયદા પરત લેવાની માગ કરી રહ્યા છીએ. આ સમયે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર કાયદાઓનો બચાવ કરી રહી છે અને કહે છે કે, ખાનગી ખરીદારોને ઉપજ વેચવા માટે તેઓ માત્ર એક વિકલ્પ આપી રહ્યા છે.
કૃષિ કાયદા વિરોધ પ્રદર્શન : ભારતે જસ્ટિન ટ્રુડોની ‘અસ્વીકાર્ય’ ટિપ્પણી બદલ કેનેડાના રાજદૂતને બોલાવ્યા
ભારતમાં કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં જંપ લાવનારા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો અને ત્યાંના નેતાઓ દ્વારા આપેલા નિવેદન બાદ ભારત સરકારે કડક પગલાં લીધા છે. ભારતના વિદેશ મંત્રાલયે આજે કેનેડાના હાઈ કમિશનરને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે, ભારતના આંતરિક મામલાઓમાં કેનેડાના નેતાઓની ટિપ્પણીને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં નહી આવે.જો આ પ્રકારની હરકત કેનેડાના નેતાઓએ ચાલુ રાખી તો બંને દેશના સબંધો પર બહુ ગંભીર અસર પડી શકે છે.ખેડૂતોના મુદ્દા પર કેનેડાના નેતાઓએ કરેલી ટિપ્પણી બાદ કેનેડામાં ભારતની એમ્બેસી સામે ભીડ એકઠી કરનારા તત્વોને પ્રોત્સાહન મળ્યું છે અને તેનાથી અમારા સ્ટાફની સુરક્ષાનો મુદ્દો ઉભો થયો છે.
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારતમાં ખેડૂતોનુ સમર્થન કરતા કહ્યુ હતુ કે, કેનેડા શાંતિપૂર્વક રીતે થતા પ્રદર્શન માટેના અધિકારીની હંમેશા તરફેણ કરે છે. ભારતમાં સ્થિતિ ચિંતાજનક છે અને અમે પરિવાર તથા દોસ્તોને લઈને પરેશાન છે. ટ્રુડોએ કેનેડામાં રહેતા પંજાબીઓની સહાનૂભૂતિ મેળવવા માટે દખલ કરી હતી તે સ્પષ્ટ છે.સાથે સાથે કેનેડાના સંરક્ષણ મંત્રીએ પણ સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યુ હતુ કે, શાંતિપૂર્ણ રીતે થતા દેખાવો પર અત્યાચાર ચિંતાજનક કહી શકાય તેવી બાબત છે. લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધને મંજૂરી હોય છે અને હું આ અધિકારની તરફેણમાં છું. તેમણે કહ્યું હતું કે, વિરોધ પ્રદર્શનોની સ્થિતિ ચિંતાજનક છે. અમે અમારા પરિવારો મિત્રો માટે ચિંતામાં છીએ. ભારતે તેમના નિવેદનનો તરત જવાબ આપતા જણાવ્યું હતું કે, કેનેડાના નેતાની ટિપ્પણી અસ્વીકાર્ય અને ખોટી માહિતીથી ભરેલી છે જ્યારે તેઓ લોકશાહી દેશની આંતરિક બાબતોમાં દખલ આપી રહ્યા છે.
Recent Comments