(એજન્સી) મુંબઇ,તા.૪
કંગના રાણાવત ઘણીવાર પોતાના ટિ્‌વટ્‌સના કારણે વિવાદોમાં ઘેરાયેલી રહે છે. જ્યારથી તેણે ટિ્‌વટર જોઈન કર્યું છે, તે ઘણીવાર ચર્ચાઓમાં રહે છે અને વિવાદોમાં ઘેરાઈ જાય છે અને આ પાછળનું કારણ છે માઈક્રો-બ્લોલિંગ પ્લેટફોર્મ પર તેની પોતાની તીખી પ્રતિક્રિયા રાખવાનું છે. હાલમાં જ એક્ટ્રેસમાંથી રાજનેતા બનેલી ઉર્મિલા માતોંડકરે મુંબઈમાં ૩ કરોડ રૂપિયાથી વધુની કિંમતની એક નવી ઓફિસ ખરીદી હોવાની ખબર સામે આવી હતી. આ ખબર પર પ્રતિક્રિયા આપતા કંગના રાણાવતે ઉર્મિલા પર કટાક્ષ કર્યો હતો કે રાજનીતિમાં સામેલ થયાના થોડા જ અઠવાડિયાઓ બાદ તેની નવી સંપત્તિની ખબર આવી. કંગનાની વાતનો જવાબ આપવામાં ઉર્મિલાએ થોડું પણ મોડું ન કર્યું. ઉર્મિલા માતોંડકરે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ પરથી કંગના રનૌતને ટેગ કરતા એક વીડિયો પોસ્ટ કર્યો છે. કંગનાએ ટ્‌વીટમાં લખ્યું હતું, પ્રિય ઉર્મિલા માતોંડકરજી, મેં જે પોતાની મહેનતથી ઘર બનાવ્યા તે તો કોંગ્રેસ તોડી રહી છે, સાચે ભાજપને ખુશ કરીને મારા હાથમાં માત્ર ૨૫-૩૦ કેસ જ લાગ્યા છે, કાશ હું પણ તમારા જેટલી સમજદાર હોત તો કોંગ્રેસને ખુશ કરતી, કેટલી મૂર્ખ છું હું નહીં ? આ વીડિયોમાં ઉર્મિલા કહી રહી છે કે, પોતાની કમાણીમાંથી તેણે આ સંપત્તિ ખરીદી છે અને આ માટે તે તમામ દસ્તાવેજો બતાવવા પણ તૈયાર છે. તેણે એમ પણ કહ્યું કે, આ લેવડ-દેવડ રાજનીતિમાં આવતા પહેલાની છે. વીડિયોમાં પૂર્વ એક્ટ્રેસે કંગનાને કહ્યું કે સમય અને જગ્યા બતાવી દે અને ઉર્મિલા તમામ દસ્તાવેજો લઈને તેની પાસે પહોંચી જશે. ઉર્મિલા માતોંડકરે પણ કંગના રનૌતને એક અપીલ કરતા બોલિવૂડના તે લોકોનું લિસ્ટ લાવવા માટે કહ્યું, જેમના ડ્રગ્સ કેસમાં સામેલ હોવાનો દાવો તેણે કર્યો હતો. ઉર્મિલાએ કહ્યું કે, તેણે પોતાની મહેનતથી ફ્લેટ ખરીદ્યો પરંતુ કંગના જનતાના ટેક્સના પૈસાથી સરકારી સુરક્ષા લઈને ફરી રહી છે.