(એજન્સી) તા.૧૫
ગુરુવારે હરિયાણામાં કૃષિ સંગઠનોએ કુરુક્ષેત્ર નજીક પીપલી જથ્થાબંધ અનાજ બજાર ખાતે રેલી યોજીને કોરોના મહામારીના પગલે લાદવામાં આવેલ પ્રતિબંધક આદેશોનો ભંગ કર્યો હતો. તેમણે દિલ્હી-ચંદીગઢ રાષ્ટ્રીય હાઇવે પર થોડા કલાકો સુધી ચક્કાજામ કર્યો હતો.
જુદા જુદા કિસાન સંગઠનોએ કિસાન વિરોધી વટહુકમો લાદવા સામે કેન્દ્ર વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો અને તેને પરત ખેંચી લેવાની માગણી કરી હતી. આ ત્રણ કૃષિ વટહુકમોમાં કિસાન કૃષિ ઉપજ વાણિજ્ય અને વ્યાપાર (સંવર્ધન અને સુવિધા) વટહુકમ ૨૦૨૦, આવશ્યક ચીજવસ્તુ (સુધારા) વટહુકમ અને મૂલ્ય સંબંધીત ખાતરી અને કૃષિ સેવા માટે કિસાન (સશક્તિકરણ અને સંરક્ષણ) વટહુકમનો સમાવેશ થાય છે.
ખેડૂતોની માગણી છે કે આ ત્રણેય વટહુકમો પાછા ખેંચી લેવામાં આવે. પંજાબભરમાં ધરણા સાથે શરૂ થયેલ આ દેખાવોને હવે સંસદનું ચોમાસું સત્ર શરૂ થઇ જવાથી વેગ મળશે. હાલ આ વિરોધ દેખાવો પંજાબ અને હરિયાણા પૂરતાં સિમીત છે પરંતુ સ્વાભિમાની પક્ષના રાજુ શેટ્ટી અને શેતકરી સંગઠનના અનિલ ઘાનવાત સહિત મહારાષ્ટ્રના કૃષિ નેતાઓએ પણ આ વટહુકમોને વાસ્તવમાં આવકાર્યા છે. લોકસભામાં બે વખત સાંસદ રહી ચૂકેલા શેટ્ટીએ આ વટહુકમોને ખેડૂતો માટે નાણાકીય સ્વતંત્રતાની દિશામાં પ્રથમ પગલા તરીકે ગણાવ્યું છે.પંજાબ અને હરિયાણામાં કિસાન સંઘોનો વિરોધ પ્રાથમિક રીતે પ્રથમ વટહુકમ સામે છે કે જે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રિત એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીની મંડી બહાર કૃષિ પાકના વેચાણ અને ખરીદીને મંજૂરી આપે છે. તેમને બાકીના અન્ય બે વટહુકમ સાથે કોઇ મોટી સમસ્યા નથી. શિરોમણી અકાલીદળના પ્રમુખ સુખબિરસિંહ બાદલે કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરને પત્ર લખીને જણાવ્યું હતું કે આ પ્રથમ વટહુકમ એપીએમસીની મંડીઓની ભૌતિક સરહદની બહાર વ્યાપાર ક્ષેત્ર માટે માત્ર જોગવાઇ કરે છે. એપીએમસીની ઇજારાશાહીનું વિસર્જન કરતો આ વટહુકમથી ખેડૂતોને એવો ડર છે કે ખાતરીબદ્ધ લઘુતમ સમર્થન મૂલ્યોમાં સરકાર દ્વારા અનાજની ખરીદીની વર્તમાન પ્રથાનો અંત આવી જશે.