(સંવાદદાતા દ્વારા) લુણાવાડા, તા.ર૭
મહિસાગર જિલ્લામાં બાલાશિનોર વિસ્તારમાં જેઠોલી ગામે બરોડા ગ્રામિણ બેંક તથા દેવ ચોકડી પાસે બંધ દુકાનો તેમજ સેવાલિયા ચોકડી ખાતે મોટરસાઇકલના શો-રૂમમાં તેમજ કોઠંબા અને ખારોલ વિસ્તારમાં તેમજ વિરપુરના ધોળી ડુંગરી ચારરસ્તા પાસેની દુકાનોમાં છેલ્લા ત્રણેક માસના ગાળામાં બેંક, દુકાનો અને શો-રૂમના શટર તોડી રાત્રીના સમયે ઘરફોડ ચોરીના કુલ સાત ગુન્હાઓ નોધાયેલ છે.
પોલીસવડા ઉષા રાડા દ્વારા આ પ્રકારની મોડસ-ઓપરેન્ડીથી આચરવામાં આવતા ગુન્હાઓ શોધી કાઢવા સૂચના આપી હતી. જે અન્વયે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન.પટેલે અલગ-અલગ ટીમો બનાવી જિલ્લામાં આવા પ્રકારના ગુન્હાઓ નોધાયેલ તેવા વિસ્તારમાં સખત નાકાબંધી તેમજ વોચ ગોઠવી હતી. જેમાં આરોપીઓ (૧) સુખાભાઇ કાળાભાઇ ચૈાહાણ ઉ.વ.૪૦ (૨) ગીરીશભાઇ કાળાભાઇ ચૈાહાણ (ઉ.વ.૩૩) (૩) દિપકસિહ ઉર્ફે ધર્મેન્દ્રસિંહ જશંવતસિહ ચૈાહાણ (ઉ.વ.૨૦) તમામ રહે – ભગવતપુરા પાંડવા તા.બાલાશીનોર)ને ટાટા મેજીક અને મોટરસાઇકલ સાથે પકડ્યા છે. જેમાં ટાટા મેજીકમાંથી સીંગ તેલના ડબ્બા નંગ-૨ અને નરાસ નંગ-૩ અને પકડ નંગ-૧ મળી આવેલ અને આરોપીઓની અંગ ઝડતી કરતા મોબાઇલ નંગ-૫ મળી આવેલ જેથી તેઓને તેઓને વિશ્વાસમાં લઇ પૂછપરછ કરતા તેઓએ જેઠોલી તા.બાલાશિનોર બરોડા બેંકમાં તથા કીડીયા તા.લુણાવાડા બેન્ક્‌માં અને દેવ ચોકડી તા.બાલાશિનોર દુકાનોમાં તથા ખારોલ અને કોઠંબા તા.લુણાવાડા દુકાનોમાં તથા ધોળી ડુંગરી તા.વિરપુર તથા ડેમાઇ અને બોરલ તા.બાયડ દુકાનોમાં એ રીતે રાત્રીના સમયે દુકાનો અને બેન્કના તાળા તોડી ઘરફોડ ચોરીઓ કરેલાની હકીકત જણાવેલ છે
ા્‌આ ઇસમોના રહેણાંક મકાને તપાસ કરતાં મોનીટર નંગ -૨, સી.પી.યુ. નંગ -૧, કોપ્યુટરના કીપેડ નંગ -૨, લેપટોપ નંગ -૨, ઓઇલના નાના-મોટા ડબ્બા નંગ – ૧૦, નંબર પાડવાનું મશીન નંગ -૧, ગ્રીલ મશીન નંગ -૧, હાર્ડવેરને લગતો પરચુરણ સામાન, કલર કરવાના બ્રશ વગેરે મળી કુલ રૂા.૩,૦૮,૬૮૫/-નો મુદ્દામાલ મળી આવેલ છે.
આરોપીઓએ કબૂલાત કરેલ છે કે તેઓ દિવસ દરમ્યાન મોટર સાઇકલ લઇને અલગ-અલગ વિસ્તારમાં બેંક અને શો-રૂમ અને દુકાનોની રેકી કરતાં હતા અને રાત્રિના સમયે ટાટા મેજીકમાં નક્કી કરેલ સ્થળે જતાં અને લાકડી વડે સી.સી.ટી.વી કેમેરા ફેરવી નરાસ વડે શટર તોડી બેંક અને દુકાનોમાં પ્રવેશ કરી ચોરી કર્યા બાદ સી.સી.ટી.વી કેમેરાનુ ડી.વી.આર પણ પોતાની સાથે લઇ આવતા હતા. અને રસ્તામાં આવતી નદીમાં સી.સી.ટી.વી કેમેરાનુ ડી.વી.આર પોતાની ઓળખના પુરાવા ન મળે તે સારૂ ફેંકી દેતા હતા. મહિસાગર જિલ્લામાં ઘરફોડ કરતા ગુનેગારો સામે લાલ આંખ કરી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચએ બીજી પણ જીલ્લામાં થતી ઘરફોડો અટકાવી એક મોટી સફળતા પ્રાપ્ત કરેલ છે.