(એજન્સી)
નવી દિલ્હી,તા.૩૦
લોકસભામાં ગુરૂવારે ત્રણ તલાક બિલ મુદ્દે ચાલેલી ચર્ચાની ફાયર બ્રાન્ડ સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ બાબરી મસ્જિદ તોડી પાડવાની ઘટના સાથે સરખામણી કરી હતી.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ- ઈતેહાદુલ મુસ્લેમીન (એઆઈ એમઆઈએમ)ના અધ્યક્ષ ઓવૈસીએ જણાવ્યું કે, ત્રણ તલાક બિલ પ્રસ્તાવ દરમ્યાન લોકસભાની અંદરનો માહોલ ૬ઠ્ઠી ડિસે. ૧૯૯ર જેવો હતો. એમણે કહ્યું કે અમે ૬ઠ્ઠી ડિસે.ને ભૂલી શકતા નથી અને લોકસભામાં ગત ગુરૂવારે સર્જાયેલ દૃશ્યને પણ ભૂલી શકીશું નહીં. તીવ્ર વિરોધ બાદ પણ લોકસભામાં ત્રણ તલાક બિલ પસાર થવાના પ્રશ્ને ઓવૈસીએ કહ્યું કે કોઈ મુસ્લિમ પુરૂષ જો પોતાની પત્નીને ત્રણ વાર તલાક આપીને છોડી મુકે છે તો એ અપરાધ છે અને એને રોકવું જોઈએ પરંતુ આ એક સામાજિક દુષણ છે જે સામાજને નુકસાન પહોંચાડે છે એ વાતનું સમર્થન કરતા કોઈ તથ્ય કે આંકડા હાજર નથી. ઓવૈસીએ ત્રણ તલાક બિલમાં ત્રણ વર્ષની જેલની સજા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, કે સુપ્રીમકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે ત્રણવાર તલાક કહેવા માત્રથી લગ્ન વિચ્છેદ નહી થાય તો પછી એના માટે ત્રણ વર્ષ જેલની સજાની શું આવશ્યકતા છે.?