અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં રેલીંગ નાંખીને મસમોટું પાર્કિંગ બનાવી પાથરણાવાળા અને ફેરિયાઓની રોજી-રોટી છીનવી લીધી છે ત્યારે શુક્રવારે ત્રણ દરવાજાથી મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી પથારાવાળા અને ફેરિયાઓએ જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં રેલી યોજી હતી. જેમાં વિવિધ બેનરો દ્વારા પથારાવાળાને થતો અત્યાચાર બંધ કરવાની માંગ થઈ હતી. જો કે જિગ્નેશ મેવાણી સહિતના અગ્રણીઓએ રેલી યોજીને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરીને ત્રણ દરવાજાના પથારાવાળાની સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અણઘડ વહીવટને લીધે જાણીતું છે. અગાઉ પણ મલ્ટીલેવલ પાર્કિંગની સુવિધા જેવા અનેક એએમસીના નિર્ણયો પ્રજાએ પણ પૂરતો સપોર્ટ કર્યો ન હોવાથી આવા નિર્ણયોની ટીકા ખુદ પ્રજા જ કરતી હોય છે ત્યારે ત્રણ દરવાજા વિસ્તારમાં જ્યાં પથારાવાળાની રોજી-રોટી છીનવીને તંત્રએ રેલીંગો લગાવીને બનાવેલા પાર્કિંગના નિર્ણય સામે પણ બજારમાં આવતા ગ્રાહકોમાં રોષ છે ત્યારે હવે જોવું રહ્યું કે, તંત્ર આ પાર્કિંગ હટાવીને પોતાની ભૂલ સુધારે છે કે કેમ ??