માંગરોળ, તા.ર૭
ઉમરપાડા તાલુકાના કેવડી ગામે કેવડી ગ્રામ પંચાયતના મહિલા સરપંચના વનિતાબેનના પતિ અમીષ મણીલાલ વસાવાએ ગામની જ ત્રણ મહિલાઓને માર મારતા આ મામલો ઉમરપાડા પોલીસ મથકે પહોંચ્યો છે. ઉમરપાડા પોલીસે, મહિલા સરપંચના ખાતે સામે એફ.આઈ.આર. દાખલ કરી છે.
બનાવની વિગત એવી છે કે ગ્રામ પંચાયતનું ટ્રેક્ટર દરરોજ આઠ વાગ્યાની આસપાસ ગામમાં ઘેરઘેર કચરો ઉઘરાવવા માટે આવે છે. આ ટ્રેક્ટર ગામના મંદિર ફળિયામાં આવતા આ ફળિયામાં રહેતી મહિલા દક્ષાબેન વસાવાએ ડ્રાઈવરને પૂછ્યું કે ત્રણ-ચાર દિવસથી કચરો લેવા કેમ આવતા ન હતા ? ત્યારે ડ્રાઈવરે જવાબ આપ્યો કે લગ્ન માટે લાકડા લેવા જંગલમાં જતા હતા જેથી કચરો લેવા-આવતા ન હતા. તો દક્ષાબેને કહ્યું કે સવારે કચરો ઉઘરાવીને લઈ ગયા બાદ બપોર પછી પણ જંગલમાં લાકડા લેવા જઈ શકાય. ત્યારબાદ ડ્રાઈવરે ફોન કરતા થોડીવારમાં મહિલા સરપંચના પતિ અમીષ મણીલાલ વસાવા એકદમ ઉશ્કેરાટમાં દોડી આવ્યા હતા અને ગાળો બોલી કહેવા લાગ્યા કે તમોને જ બધાની પડેલી છે તમે કહી દક્ષાબેન અને એની માતા કૌશલ્યાબેન પોતાના ઘરના ઓટલા ઉપર હતા તેમને માર મારવાનું શરૂ કર્યું હતું. આ વખતે માતાની બીજી પુત્રી મીનાબેન પણ ઘરમાંથી બહાર દોડી આવી હતી. એને પણ ડાબા પડખામાં બે લાત મારતા એ ઓટલા ઉપરથી નીચે પડી ગઈ હતી. એમની સાથે આવેલા અન્ય માણસો પણ બૂમા-બૂમ કરાતા હતા. આ વખતે દક્ષાબેને ઉમરપાડા પોલીસને ફોન કરતા, પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ વખતે મહિલા સરપંચના પતિ અમીષભાઈ ઉપરક્ત મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા અને તે પોલીસ આવતા ભાગી છૂટ્યો હતો. મીનાબેન ગર્ભવતી હોય અને એને પડખામાં લાત મારતા ૧૦૮ની મદદથી ઉમરપાડા ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી. આખરે મીનાબેને આ પ્રશ્ને ઉમરપાડા પોલીસ મથકે મહિલા સરપંચના પતિ અમીષ મણીલાલ વસાવા વિરૂદ્ધ દાખલ કરી છે. ઉમરપાડા પોલીસ મથકના એએસઆઈ પ્રકાશભાઈ સખારામ વધુ તપાસ કરી રહ્યા છે.