(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
શહેરના ઉધના મગદલ્લા રોડ પર સાંઇ કુટિર સોસાયટીમાં રહેતા ત્રણ મિત્રો પર સાત ઇસમો ઘાતક હથિયારો વડે ઢોર માર મારી આંખમાં સ્પ્રે નાંખી રોકડા રૂપિયા તથા મોબાઇલ મળી કુલ ૧.૩૭ લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.
શહેરના ઉધના મગદલ્લા રોડ પર શાંઇ કુટિર સોસાયટીમાં રહેતો સુમન સાંઇરામ મંડલ કેટરર્સનું કામ કરે છે અને તેની સાથે તેનો મિત્ર ધનંજય અને રણજિત પણ કામ કરે છે. આ દરમિયાન બે દિવસ અગાઉ એક સારા નામની યુવતી પણ તેઓની સાથે રહેવા માટે આવી હતી. જો કે, ગતરોજ સારા નામની આ યુવતીએ કોઇને ફોન કરી મને અહીંથી લઇ જાવ તેમ જાણ કરી હતી. સાંજે સારા અને ત્રણેય મિત્રો ઘરે હતા ત્યારે વિપુલ ટેલર તથા તેની સાથે અન્ય છ અજાણ્યા ઇસમો પિસ્તોલ અને પ્રાણ ઘાતક હથિયારો સાથે તેના ઘરે આવી સુમન તથા તેના મિત્ર ધનંજય તથા રણજીતને શરીરે ઢીકમુક્કીનો માર મારીને મને ગળાના ભાગે ચપ્પુથી ઇજા પહોંચાડી હતી અને મોઢાના ભાગે તથા આંખોમાં સ્પ્રે નાંખતા બળતરા થવા લાગ્યા હતા. આ દરમિયાન અજાણ્યા ઇસમોએ સુમનના પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂા.૮૦,૦૦૦ તથા અલગ-અલગ કંપનીના ૫૭ હજાર કિંમતના પાંચ મોબાઇલ મળી કુલ ૧,૩૭,૦૦૦ મત્તાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ ઉપરાંત જતા-જતા લૂંટારાઓ સુમનભાઇના ઘરની બહાર પાર્ક કરેલી ડસ્ટર ગાડીના કાચને પણ તોડી નાંખ્યા હતા. જેથી બનાવને પગલે સુમનભાઇએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.