(એજન્સી) કોલકાતા, તા.ર૯
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે રાજ્યના સલામત ભાગોમાં કેટલીક રાહતો અપાશે. જ્યારે હોટસ્પોટમાં લોકડાઉનની સ્થિતિ જારી રહેશે. લગભગ ર૧ મે સુધી આ સ્થિતિ જારી રહેશે. બંગાળમાં હાલ કોરોના વાયરસના પ૦૪ એક્ટિવ કેસો છે જેમાં ૪૩ નવા પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થયો હતો. મમતાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર લોકડાઉન અંગે નિર્ણય લઈ રહી છે, અમારી માટે નથી પણ એવું લાગે છે કે ત્રણ મે બાદ પણ તાળાબંધી જારી રહેશે. અમે તે મુજબ તૈયારી કરી રહ્યા છે.
મમતાએ જણાવ્યું હતું કે હાલ ખાસ નિર્દેશો જારી છે જે રેડ ઝોનમાં ચાલુ રહેશે. તેમજ બંગાળમાં ક્વોરન્ટાઈન ક્ષેત્રમાં પણ એ નિર્દેશો જારી રહેશે. જેનો મતલબ એ છે કે કોલકાતા હાવડા, પૂર્વ મિદનાપુર, ઉત્તર ર૪ પરગના ખાતે લોકડાઉન જારી રહેશે. આ ક્ષેત્રોમાં દુકાનો હજુ બંધ રહેશે. જો કે જરૂરી ચીજ વસ્તુઓનું વેચાણ ચાલુ રખાશે. રાજ્ય સરકાર રેડ ઝોનમાં વધુથી વધુ કેસો ઓળખી કાઢવા ખાસ યોજના ઘડશે. બંગાળમાં ૧૧ જિલ્લા ઓરેન્જ ઝોન જ્યારે આઠ જિલ્લા ગ્રીન ઝોન હેઠળ છે.
મમતાએ જણાવ્યું હતું કે સરકાર એ વાત પર ચર્ચા કરી રહી છે કે ગ્રીન ઝોનમાં કઈ દુકાનો ચાલુ રાખી શકાય. તેમજ ઓરેન્જ ઝોનમાં શું રાહત આપી શકાય. જો કે આ વિસ્તારોના લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. જો સ્વતંત્રતાનો ગેરઉપયોગ કરાશે તો ઓરેન્જ અને ગ્રીન ઝોન પણ રેડ ઝોનમા બદલાઈ શકે છે. મમતાએ વધુમાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના લોકડાઉનની યોજના ત્રણ મે બાદ નક્કી કરાશે.