અમદાવાદ,તા.૧૭
રાજ્ય સરકાર રોજગારી આપવામાં ઉણી ઉતારતી હોવાના સતત આક્ષેપોનો નક્કર જવાબ આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર તૈયાર કરાયું છે અને તે મુજબ પ્રતિવર્ષ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આગામી ત્રણ વર્ષમાં ૬૦,૦૦૦ થી વધુ જગ્યાઓ ભરવાનું અમારૂ આયોજન છે. આ વર્ષે ૧૬,૫૦૦ જગ્યાઓ ભરવાની મંજૂરી પણ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મળી ગઇ છે. પટેલે ઉમેર્યુ કે, અંદાજપત્ર સત્ર દરમિયાન થયેલી જાહેરાત અનુસાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આગામી ત્રણ વર્ષમાં અંદાજિત ૬૦,૦૦૦ જગ્યાઓ ભરવાનું આયોજન છે. રાજ્ય સરકાર દ્વારા આ પૈકી ચાલુ વર્ષે ૩૭,૫૩૫ અને તે પછીના બે વર્ષમાં અનુક્રમે ૧૧,૬૦૦ અને ૧૧,૩૦૦ જગ્યાઓ ભરવાનું આયોજન છે. રાજ્ય સરકાર દ્વારા ૧,૫૩,૦૦૦ કરતા પણ વધુ ભરતીના આયોજન સ્વરૂપે ૧૦ વર્ષ માટે ભરતી કેલેન્ડર બનાવી રાજ્ય સરકારની કચેરીમાં કર્મચારીઓની ભરતી હાથ ધરવામાં આવશે. તેમણે ઉમેર્યુ કે, નવી મંજુર થયેલી જગ્યાઓ તથા વિવિધ કારણોસર ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે જે જગ્યાઓ પાછળના વર્ષમાં ભરવાનું આયોજન હતું તે આગળના વર્ષમાં ભરવા માટે ફ્રન્ટ લોડિંગ અર્થે રચવામાં આવેલી સ્થાયી સમિતિની મંજૂરી પણ આપવામાં આવી છે. આ રીતે છેલ્લા એક વર્ષમાં ગ્રામ સેવક, મુખ્ય સેવિકા, સર્વેયર, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, કોન્સ્ટેબલ સહિતની લગભગ ૧૫ થી વધુ સેવાઓ માટે ૧૬,૫૦૦ જગ્યાઓની ભરતી માટે મંજૂરી આપી દેવામાં આવી છે.
ત્રણ વર્ષમાં સરકાર દ્વારા ૬૦૦૦૦ જગ્યાઓ ૫ર ભરતી કરાશે

Recent Comments