(એજન્સી) તા.૪
કેરળમાં ગર્ભવતી હાથણીની હત્યા મુદ્દે ફેલાયેલા જનાક્રોશ પછી મુખ્યમંત્રી પિનારાયી વિજયને ગુરૂવારે જણાવ્યું હતું કે, ત્રણ શંકાસ્પદોને ધ્યાનમાં રાખી આ ઘટના અંગે તપાસ ચાલુ છે અને રાજ્ય સરકાર દોષિતોને ન્યાય સમક્ષ હાજર કરવા માટે દરેક પગલાં લેશે. પિનારાયી વિજયને એક ટિ્‌વટમાં કહ્યું હતું કે, “તમારામાંથી ઘણા લોકોએ અમારો સંપર્ક સાધ્યો હતો. અમે તમને ખાતરી આપીએ છીએ કે, તમારી ચિંતા વ્યર્થ નહીં જાય. ન્યાયની જીત થશે.” આ ઘટના પાલક્કાડ જિલ્લાની છે, જ્યાં ર૭ મેના રોજ એક ગામમાં પ્રવેશેલી હાથણીને ફટાકડાં ભરેલ પાઈનેપલ ખવડાવી દેવામાં આવ્યા હતા. ફટાકડાંના વિસ્ફોટને કારણે હાથણીના મોઢામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તે એક નદીમાં જઈને ઊભી થઈ ગઈ હતી અને ત્રણ દિવસ પછી તેનું મૃત્યુ થયું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પોલીસ અને વનવિભાગ સંયુક્ત રીતે આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. આ ઘટનાને “કમનસીબ” ગણાવતા વિજયને કહ્યું હતું કે, કેટલાક લોકો આ કરૂણાંતિકાનો ઉપયોગ કરી નફરત ફેલાવી રહ્યા છે. તેમણે ટિ્‌વટમાં કહ્યું હતું કે, “અમે આ વાસ્તવિકતાથી દુઃખી છીએ કે, કેટલાક લોકો આ કરૂણાંતિકાનો ઉપયોગ કરી નફરત ફેલાવવાનું અભિયાન ચલાવી રહ્યા છે.” બીજી તરફ કેરળના વનવિભાગે આ ૧પ વર્ષીય ગર્ભવતી હાથણીની હત્યા માટે જવાબદાર લોકોની શોધખોળ શરૂ કરી છે. વનવિભાગના અધિકારીઓ તપાસ અંગે મૌન હોવા છતાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે પણ આ ઘટનાની નોંધ લઈ કહ્યું હતું કે, આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે.