અમરેલી, તા.૭
રાજુલા તાલુકાના વિસળિયા ગામે માતાએ તેના બે પુત્રો અને એક પુત્રીને કૂવામાં ફેંકી બાદમાં તેણીએ પણ કૂવામાં ઝંપલાવી દીધું હતું. માતા કૂવામાં પાણી ઓછું હોવાથી ડૂબી નહીં શકતા તેણે કૂવાના પીઢિયા સાથે પોતાની સાડી કાઢી કુવામાં જ ગળા ફાંસો ખાઈ લીધોે હતો. વિસળિયા ગામની ઘટનાથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામેલ છે.
આ અંગે મળતી વિગતો અનુસાર રાજુલાના વિસળિયા ગામે રહેતી હંસાબેન મંગળભાઈ ઉર્ફે બુધાભાઈ વાલાભાઇ શિયાળ (ઉ.વ.૩૩)નીએ ગઈકાલ સોમવાર રાત્રિના રસોઈમાં ચણાની દાળ બનાવેલ હોઈ અને તે દાળ થોડી કડક રહેતા હંસાબહેનના પતિ મંગળ ઉર્ફે બુધાભાઈએ પત્ની હંસાબેનને કહેલ કે દાળ કેમ કડક રહી ગઈ છે તે બાબતે હંસાબેન અને પતિ મંગળ ઉર્ફે બુધા વચ્ચે ઝઘડો થયેલ, જેથી હંસાબેન તેની પુત્રી આરતી (ઉ.વ.૭) તેમજ કૌશિક (ઉ.વ.૫) અને હિતેશ (ઉ.વ.૩)ને લઇ ઘરેથી નીકળી ગયા હતા અને નેસડી-૧ ગામે જઈ જીવાભાઈ મુળાભાઈ લાખણોત્રાની વાડીમાં આવેલ કૂવામાં પ્રથમ તેની પુત્રી આરતીને બાદમાં પુત્રો કૌશિક અને હિતેશને કૂવામાં ફેંકી દીધા હતા અને બાદમાં પોતે પણ કૂવામાં ઝંપલાવી દીધું હતું. પરંતુ હંસાબેન કૂવામાં પાણી ગોઠણ સુધી હોવાથી ડૂબી શક્યા નહીં, એટલે તેણે કૂવામાં આવેલ લાકડાના પીઢિયા સાથે પોતાની સાડી કાઢી ગળા ફાંસો ખાઈ લીધો હતો. સવારે વાડી માલિક પાણી ભરવા કૂવે જતાં લાશો તરતી હોવાનું જોતા ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરતા રાજુલા ડીવાયએસપી ઓઝા અને ડુંગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. ડુંગર પોલીસમાં મહિલાના પતિ મંગળ ઉર્ફે બુધાભાઈએ તેની પત્ની સામે ત્રણ-ત્રણ હત્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.