(એજન્સી) લખનૌ, તા.ર૩
ઉત્તરપ્રદેશનું રાજકારણ ખૂબ જ અસ્થિર અને કળી ન શકાય એ રીતનું થઈ ગયું છે. માયાવતી ફકત એક જ મત માટે રાજ્યસભાની બેઠક માટે સંઘર્ષ કરી રહી છે. એ વ્યક્તિ છે રાજા ભૈયા. જેમને માયાવતીએ જેલ ભેગો કર્યો હતો જ્યારે એ મુખ્યમંત્રી હતા. રાજા ભૈયાએ સ્પષ્ટ કર્યું છે કે, હું સમાજવાદી પક્ષ સાથે છું પણ માયાવતી સાથે નથી. અમને માયાવતી સામે જૂનો સંઘર્ષ છે. એમણે કહ્યું કે બીએસપી અને એસપી પોતાના સમાન દુશ્મન ભાજપને હરાવવા ભલે પોતાના મતભેદો ભૂલી ભેગા થઈ જાય પણ હું માયાવતીને મત નહીં જ આપું. રાજા ભૈયાએ વધુ પ્રશ્નો નહીં કરવા આડકતરી રીતે સંકેત આપ્યો હતો. રાજા ભૈયા ઉત્તરપ્રદેશનો બાહુબલી છે. એમની સામે ઘણા બધા કેસો છે. ર૦૦રના વર્ષમાં માયાવતીએ એમને જેલમાં મોકલ્યા હતા. પણ ર૦૦૩ના વર્ષમાં મુલાયમસિંહ મુખ્યમંત્રી થતાં એમણે રાજા ભૈયાને મુક્ત કર્યા હતા. અખિલેશે ર૦૧રમાં રાજા ભૈયાને મંત્રી પણ બનાવ્યા હતા. રાજા ભૈયાનો રેકર્ડ ગુનાહિત છે તેમ છતાંય એની રાજકીય કારકિર્દી ઉપર કોઈ અસર જોવાઈ નથી. ૧૯૯૩થી એ સતત ચૂંટાતો આવ્યો છે.