(સંવાદદાતા દ્વારા)
પાવીજેતપુર, તા.ર૧
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી પાવીજેતપુરથી બોડેલીનો રસ્તો મોટા ખાડા પડી જવાના કારણે ખૂબ જ ખખડધજ થઈ જતાં જનતા ત્રાહિમામ પોકારી રહી છે. પૂર્વ પટ્ટી વિસ્તારમાં બોડેલીથી જબુગામ, પાવીજેતપુર, તેજગઢ, છોટાઉદેપુર, પાનવડ, કવાંટ સુધી તેમજ તેની આજુબાજુના ગામડાંઓની જનતા માટે નેશનલ હાઈવે નં.૫૬ માનવ શરીરમાં આવતી રીડની હડ્ડી સમાન છે. પૂર્વ પટ્ટી વિસ્તારની જનતાને ગમે ત્યાં જવું હોય ત્યારે પાવીજેતપુરથી બોડેલીના રસ્તા ઉપર થઈને જ પસાર થવું પડે છે. પરંતુ આ રસ્તા ઉપર નિયમોને નેવે મૂકી ઓવરલોડ તેમજ ભીની રેતી ભરી પસાર થતી ટ્રકોના કારણે આ રસ્તો સાવ ખસતા થઈ જવા પામ્યો છે. રસ્તો એટલો ખખડધજ થઈ ગયો છે કે, કયા ખાડામાંથી ગાડીને પડતી બચાવી એ જ પ્રશ્ન થઈ જાય છે. પહેલાં તો તંત્ર દ્વારા નાના ખાડા પડતા જ કપચી નાખી ડામરિંગ કરી પેચવર્ક કરવામાં આવતું હતું. પરંતુ હવે તો નાના નહીં મોટા-મોટા ખાડા પડી ગયા હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. એટલા મોટા-મોટા ખાડા થઈ જવા પામ્યા છે કે, રોડ ઉપર ખાડા નહીં પરંતુ ખાડા ઉપર જ રોડ થઈ ગયો હોય, એમ લાગી રહ્યું છે. કેટલાક સમય પહેલાં પાવીજેતપુરથી બોડેલીનો રસ્તો ખખડધજ થઈ ગયો હતો અને તંત્ર દ્વારા નવીન રસ્તો બનાવવામાં ન આવતો હતો જ્યારે પૂર્વ પટ્ટી વિસ્તારની જનતાએ રસ્તા રોકો આંદોલન કરી તંત્રને સફાળું જગાડ્યું હતું. વર્તમાન પરિસ્થિતિ જોતા ફરીથી જનતાને આંદોલન કરવું પડશે, એમ લાગી રહ્યું છે અને જનતા પણ આંદોલનના મૂડમાં જણાઈ રહી છે ત્યારે તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે ઘટતું કરે તે જરૂરી થઈ જવા પામ્યું છે.