(એજન્સી) અગરતલા, તા.૩
ત્રિપુરામાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના એક દિવસ પહેલાં શુક્રવારે સવારે સી.પી.એમ.ના વરિષ્ઠ નેતા અને મંત્રી ખગેન્દ્ર જમાતિયાનું નિધન થઈ ગયું છે. તેમણે દિલ્હીમાં આવેલ એમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ખગેન્દ્ર જમાતિયા મુખ્યમંત્રી માણિક સરકારના નેતૃત્વવાળી લેફટ ફ્રન્ટ સરકારમાં મત્સ્ય, સહકારિતા તેમજ ફાયર સર્વિસ વિભાગના મંત્રી હતા.
૬૪ વર્ષના જમાતિયા થોડા સમયથી લીવર સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા હતા. મતદાન બાદ તેમણે બેચેનીની ફરિયાદ કરી. ત્યારબાદ તેમને બે વખત અગરતલાની જી.બી.હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં જ તેમની હાલત કથળવા લાગી. ત્યારબાદ રર ફેબ્રુઆરીએ જમાતિયાને દિલ્હીમાં આવેલી એમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. જમાતિયા ખોવાઈ જિલ્લાના કૃષ્ણપુરથી સી.પી.એમ.ના ઉમેદવાર હતા. આ બેઠક એસ.ટી. માટે રિઝર્વ છે. ત્રિપુરામાં વિધાનસભાની કુલ ૬૦ બેઠકો છે. સી.પી.એમ.ના એક ઉમેદવારના નિધનને કારણે પ૯ બેઠકો માટે જ મતદાન થયું. ચૂંટણીના પરિણામો ૩ માર્ચે જાહેર થયા. ચારિલામ બેઠક પરથી સી.પી.એમ. ઉમેદવાર રામેન્દ્ર નારાયણ દેબબર્માનંુ નિધન થઈ ગયું હતું. ચારિલામ બેઠક પર હવે ૧ર માર્ચના રોજ મતદાન યોજાશે.