(એજન્સી) અગરતલા,તા.૧૮
બીજેપી નેતા અને ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેબે ઈન્ફોર્મેશન ટેકનોલોજીની સુવિધાઓ વિશે એક ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે. રાજધાની અગરતલામાં મંગળવારે સાર્વજનિક વિતરણ પ્રણાલીના (પીડીએસ) કોમ્પ્યુટરાઈઝેશન પર આયોજિત એક કાર્યક્રમ દરમ્યાન તેમણે કહ્યું કે દેશમાં મહાભારતના યુગમાં પણ ટેકનોલોજીની સુવિધાઓ ઉપલબ્ધ હતી. જેમાં ઈન્ટરનેટ અને સેટેલાઈટ પણ સામેલ હતા. બિપ્લબ દેબે કહ્યું કે, આ બધું મારા દેશમાં પહેલીવાર બની રહ્યું નથી. આ એ દેશ છે, જેમાં મહાભારત દરમિયાન સંજયે હસ્તીનાપુરમાં બેસીને ધૃતરાષ્ટ્રને જણાવ્યું હતું કે કુરુક્ષેત્રના મેદાનમાં ચાલી રહેલા યુદ્ધમાં શું થઈ રહ્યું છે. સંજય આટલે દૂર રહીને આંખોથી કેવી રીતે જોઈ શકે છે, તેથી તેનો અર્થ છે કે તે સમયે પણ ટેકનોલોજી, ઈન્ટરનેટ અને સેટેલાઈટ હતા. તેમણે કહ્યું કે, વચ્ચે ઘણા બધા ફેરફારો આવ્યા છે, પરંતુ તે જમાનામાં પણ ટેકનોલોજી હતી. હું તમને સારા કામ માટે શુભેચ્છા પાઠવું છું પરંતુ આ સુવિધાઓનો આવિષ્કાર તમે નથી કર્યો. બિપ્લબ દેેબે કહ્યું કે, હું ગર્વ અનુભવું છું કે મારો જન્મ એવા દેશમાં થયો, જે ટેકનોલોજીની દુનિયામાં આગળ હતો. આજે ભલે, યુરોપ-અમેરિકા ટેકનોલોજીના આવિષ્કારનો દાવો કરે, પરંતુ તેના જનક આપણે છીએ. ટેકનોલોજી અને સંસ્કૃતિમાં કોઈ સમૃદ્ધ છે, તો તે ભારત છે.