(એજન્સી) અગરતલા, તા. ૬
ત્રિપુરામાં બેલાનિયામાં બુલડોઝરની મદદથી રશિયન ક્રાંતિના નાયક વ્લાદિમિર લેનિનની મૂર્તિ તોડવામાં આવ્યાં બાદ ૧૩ જિલ્લામાં હિંસા વકરી. મૂર્તિને તોડી પાડતી વખતે ભારત માતાની જય એવા નારા પોકાર્યાં. ત્રિપુરામાં એસપી કમલ ચક્રવતીએ કહ્યું કે સોમવારે બપોરના ૩.૩૦ કલાકે ભાજપ સમર્થકોએ આ ઘટનાને અંજામ આપ્યો. ત્રિપુરામાં ભાજપની જીત બાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં તોડફોડ અને હિંસાની પણ ખબર હતી. સીપીએમનો આરોપ છે કે ભાજપ અને આઈપીએફટી કાર્યકરો હિંસા પર ઉતરી આવ્યાં હતા. પાર્ટીએ કહ્યું કે ભાજપ અને આઈપીએફટી કાયકરો ફક્ત ડાબેરી પાર્ટીની ઓફિસોને નિશાન બનાવી. ડાબેરી કાર્યકરો પણ હિંસામાં સામેલ હોવાની ખબર હતી. સોમવારે બે જગ્યાએ હિંસાની ખબર આવી હતી જેમાં ૩ લોકોની ધરપકડ કરવામાં આવી. ઘણા વિસ્તારોમાં ધારા ૧૪૪ લાગુ પાડવામાં આવી છે. લેનિનની મૂર્તિ તોડી પાડનાર બુલડોઝરના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે અને બુલડોઝરને જપ્ત કરવામાં આવ્યાં છે. ભાજપ સમર્થકોએ બુલડોઝર ડ્રાઈવરને દારૂ પીવડાવીને મૂર્તિ તોડાવી નખાવી હતી. સીપીઆઈએ નેતા ડી રાજાએ હિંસાને આકરા શબ્દોમાં વખોડી હતી અને કહ્યું કે લોકશાહીમાં હિંસા અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું કે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહે જે વાત કરી હતી તેનાથી તદ્દન વિપરીતે બન્યું છે. ભાજપના નોર્થ ઈસ્ટ પ્રભારી રામ માધવે પણ લેનિનની મૂર્તિ તોડી પાડવાનો ફોટો પોસ્ટ કરતાં લખ્યું કે લોકોએ લેનિનની મૂર્તિ તોડી પાડી રશિયામાં નહીં પરંતુ ત્રિપુરામાં. જોકે થોડી વાર બાદ તેમણે આ ટ્‌વીટ ડિલિટ કરી નાખ્યું હતું. આ દરમિયાન ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ લેનિને આતંકવાદી અને વિદેશી ગણાવીને તેમની પ્રતિમા તોડવાને વ્યાજબી ઠેરવી તો તમિલનાડુ ભાજપ નેતા એચ રાજાએ પેરિયાર તરીકે જાણિતા ઈવી રામાસ્વામીની પ્રતિમા તોડવાની ચેતવણી આપી.