(એજન્સી) નવી દિલ્હી, તા.૩
ત્રિપુરા હિંસા પર ફેક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટ જાહેર કરતાં સુપ્રીમ કોર્ટના વકીલો અને માનવાધિકાર સંગઠનોની તપાસ ટીમે મંગળવારે ખુલાસો કર્યો હતો કે જો ભાજપ સરકારે ઇચ્છયું હોત તો ત્રિપુરામાં મુસ્લિમ લઘુમતી વિરુદ્ધ પૂર્વયોજિત હિંસાને નિષ્ફળ બનાવી શકી હોત, પરંતુ તેણે કથિત રીતે હિંદુત્વવાદી ટોળાના આરોપીઓને છૂટ આપી હતી. તપાસ અહેવાલમાં એ પણ બહાર આવ્યું છે કે સમગ્ર રાજ્યમાં અનેક સ્થળોએ મુસ્લિમો પર હુમલા કરવામાં આવ્યા હતા અને ૧૨ મસ્જિદોમાં તોડફોડ કરવામાં આવી હતી અને નુકસાન થયું હતું. ત્રિપુરાની મુલાકાત લેનાર ટીમના સભ્યો દ્વારા પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે “ત્રિપુરામાં માનવતા પર હુમલો; ઈંમુસ્લિમો”નું વિમોચન કરવામાં આવ્યું હતું. મીડિયાને સંબોધતા, તેઓએ રેખાંકિત કર્યું હતું કે ત્રિપુરામાં મુસ્લિમો વિરુદ્ધ હિંસાની ઘટના પછી જે પરિસ્થિતિ થઈ છે તે સૂચવે છે કે જો સરકારે ઇચ્છયું હોત, તો તે આવી ભયાનક ઘટનાને રોકી શકી હોત. આ સરકારની સંપૂર્ણ નિષ્ફળતા અને ભાજપના રાજકીય હિતો દર્શાવે છે. દેશભક્તિની હિંસક વિચારધારાએ રાજ્ય પર કબજો જમાવ્યો છે અને લોકોનું તેને સ્પષ્ટ સમર્થન છે. તપાસ ટીમ પીડિત પક્ષકારોને મળી હતી અને હિંસા સંબંધિત માહિતી અને તથ્યો એકત્ર કર્યા હતા અને એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ પર હુમલાની ઘટનાઓને લઈને ત્રિપુરામાં ૫૧ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. પ્રદર્શનો સાથે આ હિંસા શરૂ થઈ હતી, મુસ્લિમોની મિલકતોને બાળી નાખવામાં આવી હતી અને ખાસ કરીને મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તપાસ ટીમ સમક્ષ જે તથ્યો સામે આવ્યા છે તે પ્રાથમિક રીતે સૂચવે છે કે જો સરકારે સમયસર યોગ્ય પગલાં લીધાં હોત તો હિંસા આટલી ભયાનક માત્રામાં ન થઈ હોત. ફેક્ટ ફાઈન્ડિંગ ટીમને જાણવા મળ્યું છે કે આ ઘટના ભારતીય જનતા પાર્ટીના રાજકીય હિતને આગળ વધારવા માટે હતી. તેમની તપાસ દર્શાવે છે કે બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર હુમલાની ઘટનાઓને લઈને ત્રિપુરામાં ૫૧ સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ઉત્તર ત્રિપુરાના પાણીસાગરમાં એક મસ્જિદમાં તોફાનીઓએ ગોળીબાર કર્યો હતો અને ૧૨ જેટલી મસ્જિદોમાં તોડફોડ કરવામાં આવી છે અને કુરાન પણ સળગાવવામાં આવ્યું છે. પાણીસાગરના રવા બજારના રહેવાસી, ૭૨ વર્ષીય મુનાવર અલીએ ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમને જણાવ્યું હતું કે પાણીસાગર વિભાગમાં ૧૫ ઓક્ટોબરથી ૨૬ ઓક્ટોબર સુધી રેલી માટે જાહેરાત કરવામાં આવી રહી હતી. તે જાહેરાતમાં વીએચપીના લોકો કહેતા હતા કે જે હિન્દુઓ આ રેલીમાં ભાગ નહીં લે તેમનો બહિષ્કાર કરવામાં આવશે. આટલા વર્ષોમાં આટલી બધી નફરત આપણે ક્યારેય જોઈ નથી. રાજ્યમાં ભાજપની સરકાર આવ્યા બાદ મુસ્લિમો વિરુદ્ધ વાતાવરણ સર્જાયું હતું. જેનું પરિણામ હિંસાના રૂપમાં બહાર આવ્યું છે તેમ સ્થાનિક મુસ્લિમોએ આ ટીમને જણાવ્યું હતું. જ્યારે આગ લગાડવામાં આવી રહી હતી ત્યારે અમે સ્થાનિક ભાજપના ધારાસભ્ય વિનય ભૂષણ દાસને ૭-૮ વખત ફોન કર્યો હતો. તેમણે એકવાર ફોન ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે તે અગરતલામાં એક મીટિંગમાં છે. આ ઘટના બાદ નાઇટ શિફ્ટમાં માણસો ઘરની બહાર ચોકી કરી રહ્યા છે. લોકોમાં હજુ પણ ભયનો માહોલ છે.
આ અહેવાલમાં ૮ માંગણીઓ કરવામાં આવી છે :
૧. સરકારે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ સમિતિ બનાવીને સમગ્ર ઘટનાની તપાસ કરાવવી જોઈએ.
૨. પીડિતોની ફરિયાદ પર અલગ એફઆઈઆર દાખલ થવી જોઈએ.
૩. આ ઘટનાને કારણે જે લોકોને ધંધામાં આર્થિક નુકસાન થયું છે તે તમામ લોકોને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય વળતર મળવું જોઈએ અને તે વળતર જલ્દી મળવું જોઈએ જેથી આ નિર્દોષ લોકો પોતાનું જીવન જીવી શકે અને તેમના ધંધા અને કામકાજ ફરી શરૂ થઈ શકે.
૪. સરકારે આગ અને તોડફોડમાં નુકસાન પામેલા ધાર્મિક સ્થળોને તેમના ખર્ચે પુનઃનિર્માણ કરાવવું જોઈએ.
૫. હિંસા થવાની સંભાવના હોવા છતાં, પોલીસ અધિકારી કોઈ પગલાં ન લે તે માટે તેઓને જવાબદાર ગણવા જોઈએ. તેમને તાત્કાલિક તેમના હોદ્દા પરથી દૂર કરીને નવા પોલીસ અધિકારીની નિમણૂક કરવી જોઈએ.
૬. રેલીમાં પયગંબર મોહમ્મદ (સ.અ.વ.) નું અપમાન કરતા સૂત્રોચ્ચાર કરનાર વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે કડક પગલાં લેવા જોઈએ જેથી કરીને રાજ્યનું સૌહાર્દપૂર્ણ વાતાવરણ ફરી બગડે નહીં.
૭. જે લોકો ખોટા અને ઉશ્કેરણીજનક સંદેશાઓ બનાવે છે અને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરે છે, તેમજ લોકોને વારંવાર ઉશ્કેરવા અને રેલી માટે આહવાન આપનારા તમામ લોકો અને સંસ્થાઓ સામે કડક કાયદાકીય પગલાં લેવા જોઈએ. આ લોકો સામે કેસ નોંધવો જોઈએ અને તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
૮. આ રમખાણોમાં જે કોઈ પણ દોષિત છે, અને લૂંટફાટ અને આગ લગાડવામાં સામેલ છે, તેમની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કોઈપણ ભેદભાવ વિના તપાસ થવી જોઈએ. તેઓએ જાહેરાત કરી છે કે તપાસ ટીમ ટૂંક સમયમાં જ દિલ્હીમાં તેનો વિગતવાર અહેવાલ જાહેર કરશે અને આ અહેવાલ ભારતના રાષ્ટ્રપતિ, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, કેન્દ્રીય ગૃહ સચિવ, રાષ્ટ્રીય લઘુમતી આયોગ અને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને મોકલવામાં આવશે.
“ત્રિપુરામાં ૫૧ સ્થળોએ મુસ્લિમોને નિશાન બનાવવામાં આવ્યા હતા, ૧૨ મસ્જિદોમાં તોડફોડ કરવામાં આવી હતી” : સુપ્રીમ કોર્ટના વકીલોનો અહેવાલ

Recent Comments