(એજન્સી) તા.૨પ
બ્રાઉન યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ ખાતેના ડીને જણાવ્યું છે કે તેમનું એવું માનવું છે કે ત્રીજા તબક્કાના યોગ્ય ડેટા ઉપલબ્ધ કરાવ્યાં વગર ભારત બાયોટેકની વેક્સીન કોવેક્સિનને અધિકૃત કરવી એ એક ભૂલ હતી. ડો.આશિષ ઝાએ જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે એસ્ટ્રા જેનેકાની કોવિશિલ્ડ પણ પરફેક્ટ નથી, પરંતુ તેની પાસે સંગીન ડેટા છે. જો કે ડો.ઝાએ જણાવ્યું હતું કે જેના નિયત ડેટા ઉપલબ્ધ નહીં હોવા છતાં વેક્સીનને મંજૂરી આપવાનો નિર્ણય ગુંચવાડાભર્યો છે. વેક્સીનેશન અને તેના પરીક્ષણની પ્રક્રિયા દરમિયાન સૌથી મહત્વની વાત એ ધ્યાનમાં રાખવાની છે કે લોકોની પસંદગી અને સ્વાયત્તતાનો આદર કરવામાં આવે. તેમણે ઉમેર્યુ હતું કે ભારત પાસે ક્લીનિકલ ટ્રાયલ માટે મજબૂત સુરક્ષા પાસાઓ છે અને તે જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવું જોઇએ. જો કે તેમણે દોહરાવ્યું હતું કે આ નિર્ણયથી લાંબાગાળાનું નુકસાન થવાની કોઇ શક્યતા નથી. પરંતુ ડેટાની પારદર્શિતાને જો અનુસરવામાં આવી ન હોય તો તેને ઉલ્ટાવી શકાય છે. બ્રાઉન યુનિવર્સિટી સ્કુલ ઓફ પબ્લિક હેલ્થ ખાતેના ડીનનું માનવું છે કે કોવેક્સ પહેલમાં જોડાવાનો અમેરિકાના પ્રમુખ બાઈડેનનો નિર્ણય એક મહત્વપૂર્ણ પગલું છે. બાઈડેન પ્રશાસન દ્વારા આ નિર્ણય માત્ર અમેરિકા માટે જ નહીં પરંતુ અલ્પ વિકસિત રાષ્ટ્રોને વેક્સીન સહયોગ આપવામાં મહત્વની ભૂમિકા પણ ભજવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એક ટકાઉ રોગપ્રતિરોધકતા વિકસાવવા અને વાયરસથી સુરક્ષા સુનિશ્ચિત કરવા સાર્વત્રિક પરીક્ષણ અભિયાન હોવું જરુરી છે.