(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૨૫
આણંદ શહેરમાં ઈસ્માઈલ નગર વિસ્તારમાં હુઝેફા પાર્ક સોસાયટીમાં જાહેર માર્ગો પર ઉભરાતી ગટરોને લઈને ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગો પર વહી રહ્યું છે. જેને લઈને સ્થાનિક રહીશોને ગટરના દૂષિત પાણીમાં રહીને અવર-જવર કરવી પડે છે. જેને લઈને સ્થાનિક લોકોમાં તંત્ર વિરૂદ્ધ ઉગ્ર આક્રોશ વ્યાપી જવા પામ્યો છે. આજે સ્થાનિક રહીશો દ્વારા પાલિકાનાં પૂર્વ કાઉન્સિલરને ઘેરીને ઉગ્ર રજૂઆતો કરી હતી. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાં અંતર્ગત ગટરલાઈન નાખવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેને જોડાણ આપવામાં આવ્યું નથી. મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં ઈસ્માઈલનગર વિસ્તારમાં હુજેફા પાર્ક સોસાયટીમાં જાહેર માર્ગો પર ગટરો ઉભરાઈ રહી છે. જેને લઈને ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગો પર વહી રહ્યું છે. આ વિસ્તારમાં ગટરો ઉભરાવાની વર્ષો જૂની સમસ્યા છે. નગરપાલિકા દ્વારા બે વર્ષ પૂર્વે ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત ગટરલાઈન નાખવામાં આવી છે. પરંતુ ગટર લાઈનનું જોડાણ આપવામાં આવ્યું નથી. જેના કારણે આ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેઈનમાં કેટલાક લોકો દ્વારા ગટરોનું જોડાણ આપી દેવામાં આવ્યું છે. જેનાં કારણે છાસવારે આ વિસ્તારમાં ગટરો ઉભરાતા જાહેર માર્ગ પરથી ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન નગરપાલિકામાં ભાજપ જૂથ સત્તા સ્થાને હોઈ તેમજ આ વિસ્તારમાંથી કોંગ્રેસનાં કાઉન્સિલરો ચૂંટાયેલા હોઈ ભાજપનાં શાસકો દ્વારા આ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન દાખવી વિકાસના કામો કરવામાં આવેલ નથી. આ વિસ્તારમાં ગટરો ઉભરાવાનાં કારણે સ્થાનિક લોકોને મસ્જિદમાં નમાઝ પઢવા જવા માટે પણ ગટરના દૂષિત પાણીમાં રહીને મસ્જિદમાં અવર-જવર કરવી પડે છે. જેને લઈને સ્થાનિક નમાઝીઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. ત્યારે પાલિકાના વહીવટદાર ચીફ ઓફિસર દ્વારા આ વિસ્તારમાં ગટરો ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી લાગણી પ્રબળ બની છે.